- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી
- હવે અમદાવાદ માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
- જેમાં શહેરના રોડ-રસ્તા, ટ્રાફિક, આરોગ્ય, ગટર વ્યવસ્થા અંગે વચનો આપવામાં આવ્યા
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે અમદાવાદ માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં શહેરના રોડ-રસ્તા, ટ્રાફિક, આરોગ્ય, ગટર વ્યવસ્થા અંગે વચનો આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના વિકાસ માટે આગામી પાંચ વર્ષ માટે ભાજપે રોડ મેપ રજૂ કર્યો છે.
ભાજપના નેતા આઇ કે જાડેજાએ ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમી રહેલા શહેરવાસીઓ માટે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં આવશે. સમગ્ર મહાનગરમાં યોગ્ય પ્રકારે ટ્રાફિક સિગ્નલ, મલ્ટિલેવલ પાર્કિંગમાં પણ મોટા પ્રમાણમાં વધારો કરાશે. પે એન્ડ પાર્કિગની સુવિધાઓમાં વધારો થશે. પાર્કિગની નવી પોલિસી તૈયાર કરાશે.
નવા પશ્ચિમ વિસ્તારમાં અદ્યતન હોસ્પિટલ બનાવવાનો અને કોરોના મહામારીમાં ધનવંતરી રથ જેવી સુવિધાથી નાના નાગરિકોને ઘર સુધી પ્રાથમિક મેડિકલ સુવિધા પ્રાપ્ત થાય તેવા પ્રયાસ કરાશે. શહેરમાં પ્રદુષણનું પ્રમાણ ઘટાડવા ઈલેક્ટ્રિક વાહનોના વપરાશ પર વધારો કરાશે. જનરલ સુવિધાઓમાં પણ ઈલેક્ટ્રિક વાહનોની સુવિધા વધારાશે. સાઈકલનો વપરાશ વધે. સાઈકલ વપરાશ માટે સાઈકલ ટ્રેકિંગ સુવિધાઓ માટે વધારો થશે.
ગ્રીન બિલ્ડિંગ વિશે વાત કરતા કહ્યું હતું કે ગ્રીન બિલ્ડિંગ પ્રાઇવેટ કે સરકારી તેમાં ખાસ નક્કર યોજનાઓ સાથે આગળ વધશે. સોલાર પાવર યોજનાને પણ મહત્વ અપાશે. કચરાના નિકાલની સુવિધામાં પણ વધારો થશે. પ્રાઇવેટ બિલ્ડિંગને પણ ગ્રીન બિલ્ડિંગ બનાવવા તેમજ શહેરમાં આવેલા તળાવોને આધુનિક બનાવી પર્યટન સુવિધા વધારીશું.
તે ઉપરાંત શહેરમાં સમાવિષ્ટ નવા નવા વિસ્તારોને 100 ટકા નળથી જલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. નવી ડ્રેનેજ લાઇનોનું આયોજનપૂર્વક કાર્ય થશે. ડ્રેનેજ પાણી સહિતની સુવિધાઓ વધારાશે. ભૂગર્ભ જળ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે નાગરિકોને મદદરૂપ થવાશે.
(સંકેત)