Site icon Revoi.in

વરિષ્ઠ પત્રકાર અને કટારલેખક જયદેવ પટેલનું ટૂંકી માંદગી બાદ નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

Social Share

અમદાવાદ: પત્રકાર જગતમાં જયદેવ કાકાના હુલામણા નામથી જાણીતા પત્રકાર અને કટારલેખક જયદેવ પટેલનું 81 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ દુ:ખદ નિધન થયું છે. તેમની અણધારી વિદાયથી પત્રકાર આલમમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઇ (રિયલ વૉઇસ ઑફ ઇન્ડિયા) પરિવારે પણ વરિષ્ઠ પત્રકાર જયદેવ પટેલના નિધન પર દુ:ખ વ્યક્ત કરીને તેમને શ્રદ્વાંજલિ પાઠવી હતી.

વરિષ્ઠ પત્રકાર જયદેવ પટેલ એક નવયુવાનને પણ શરમાવે તેવા તરવરાટ અને જોમ સાથે પત્રકારત્વ સાથે છેલ્લા શ્વાસ સુધી સંકળાયેલા હતા. ઉંમરથી વરિષ્ઠ પણ સ્ફૂર્તિમાં યુવાન એવા વરિષ્ઠ પત્રકાર જયદેવ પટેલ છેલ્લા સાઇઠેક વર્ષોથી એક જાણીતા અખબારપત્રમાં ક્રાઇમ રિપોર્ટિંગ કરતા હતા. અષાઢી બીજે નીકળતી જગન્નાથ રથયાત્રાનું અંતિમ અહેવાલ લેખન પણ તેઓ જ કરતા હતા. ક્રાઇમની સ્ટોરી પણ લખતા. આમ છતાં પોતાના વરિષ્ઠ હોવાનો કોઇ ગર્વ કે અહંકાર નહીં. સર્વ સાથે હરહંમેશ નમ્રતા અને હાસ્ય સાથે વાત કરતા હતા.

તેઓ માંદગી દરમિયાન પણ પત્રકાર તરીકે સક્રિય હતા અને અખબારપત્રોમાં કૉલમ લખતા હતા. તે ઉપરાંત તેમની ખાસિયત વિશે કહીએ તો અમદાવાદમાં છેલ્લા આઠ દાયકામાં બનેલી તમામ ઘટનાઓની તારીખ અને સમય તેમને યાદ હતા. આવું જવલ્લે જ બનતું હોય છે. સરળ વ્યક્તિત્વ ધરાવતા જયદેવ પટેલ ક્રાઇમ રિપોર્ટરો માટે પ્રેરણારૂપ હતા.

જયદેવ પટેલે ક્રાઇમ રિપોર્ટર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ એક કટાર લેખક તરીકે પણ તેમની લેખન શૈલીના કારણે લોકપ્રિય બન્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. શુક્રવારે સાંજે તેમણે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.