- કોરોના બાદ સ્કૂલોમાં તો ફી ઘટી પરંતુ યુનિ-કોલેજોમાં હજુ કોઇ ફી ઘટાડો નહીં
- યુનિ-કોલેજોમાં ફી ઘટાડાનો નિર્ણય ચાલુ શૈક્ષણિક વર્ષ માટે અનિશ્વિત
- કોલેજોમાં ફી ઘટાડાની માંગ સાથે એક પીટિશન પણ હાઇકોર્ટમાં થઇ હતી
અમદાવાદ: કોરોનાને લીધે સ્કૂલો તેમજ કોલેજો બંધ રહેવાના કારણે વાલીઓએ ફી ઘટાડાની ઉગ્ર માંગણી કર્યા બાદ સરકારે દિવાળી પહેલા સ્કૂલોમાં તો 25 ટકા ફી ઘટાડો કરી દીધો હતો, પરંતુ ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં હજુ સુધી ફી ઘટાડા અંગે નિર્ણય લેવાયો નથી. ચાલુ શૈક્ષણિક વર્ષના અંત સુધીમાં હવે ફી ઘટાડો થશે કે કેમ તે નક્કી ન હોવાથી આ નિર્ણય હવે આ વર્ષ માટે તો અનિશ્વિત છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સ્કૂલોમાં 25 ટકા ફી ઘટાડા બાદ સરકારે ટેકનિકલ અને નોન ટેકનિકલ કોલેજો તેમજ ખાનગી યુનિવર્સિટીઓમાં ફી ઘટાડા માટે પ્રક્રિયા તો ક્યારની શરૂ કરી છે પરંતુ કોઇ નિર્ણય લેવાયો નથી. કોલેજોમાં ફી ઘટાડાની માંગ સાથે એક પીટિશન પણ હાઇકોર્ટમાં થઇ હતી. જેમાં હાઇકોર્ટના આદેશ બાદ સરકારે ટેકનિકલ કોલેજો-યુનિ.ઓ માટેની ફી રેગ્યુલેશન કમિટીને સંચાલકોના મંડળો પાસેથી સૂચનો અને પ્રતિભાવો લઇને રીપોર્ટ તૈયાર કરી સબમિટ કરવાનો આદેશ કર્યો હતો.
જ્યારે નોન ટેકનિકલ અને વોકેશનલ કોલેજોમાં ફી કમિટી ન હોવાથી સરકારે હંગામી કમિટી રચી હતી અને આ કમિટીને પણ કોલેજોના સંચાલકો પાસેથી પ્રતિભાવો લઈને રીપોર્ટ સોંપવાનો આદેશ કર્યો હતો ટેકનિકલ માટેની કમિટીએ સૂચનો લીધા બાદ રીપોર્ટ તૈયાર કરી દીધો છે પરંતુ હજુ સરકારને સોંપાયો નથી.
જ્યારે નોન ટેકનિકલ કમિટી દ્વારા હજુ ડેટા કલેકશનની પ્રક્રિયા ચાલી રહી છે. આમ કમિટીના રીપોર્ટ જ સબમીટ થયા નથી અને હવે રેગ્યુલર યુનિ.ઓ-કોલેજો પણ શરૃ થઈ ગઈ છે. યુનિ.ઓ-કોલેજોએ પ્રથમ સત્રની ફી લઈ લીધા બાદ બીજા સત્રની પણ લઈ લીધી છે ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષ માટે હવે યુનિ.કોલેજોમાં ફી ઘટાડો થવો લગભગ અનિશ્ચિત જ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ-વાલીઓ ફી ઘટાડાની રાહ જોઈને બેઠા છે અને ખાસ કરીને ઈજનેરી-મેડિકલ જેવા પ્રોફેશનલ કોર્સમાં ઊંચી ફી છે ત્યારે સરકારે ઉચ્ચ શિક્ષણમાં ફી ઘટાડા માટે નક્કર પગલા ભરવા જોઈએ તેવી માંગ પણ ઉઠી છે.સ્કૂલોમાં ૨૫ ટકા ફી ઘટી તો કોલેજો-યુનિ.માં કેમ ન ઘટે ?સરકાર પણ હવે આ મુદ્દે ઉદાસીન હોય તેવુ લાગી રહયુ છે.
(સંકેત)