Site icon Revoi.in

ગુજરાતી ભાષાની સૌ પ્રથમ મોર્ડન માયથોલોજિકલ થ્રિલર નવલકથા ‘મૃત્યુંજય’: એવી નવલકથા જે આપને અવર્ણનીય અનુભવ કરાવશે

Social Share

અમદાવાદ: ગુજરાતી ભાષાની સૌ પ્રથમ મોર્ડન માયથોલોજિકલ થ્રિલર નવલકથા હવે પ્રસ્તુત થઇ ચૂકી છે. રાજકોટના યુવા લેખક પરખ ભટ્ટ અન રાજ જાવિયા દ્વારા આ માયથોલોજિકલ થ્રિલર નવલકથા ‘મૃત્યુંજય – મૃત જીવાત્માનો અજેય રાગ’ લખવામાં આવી છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પુસ્તકનું પ્રકાશન થયું છે.

આ નવલકથાને જાપાનની રોશોમોન કથનશૈલીનું અનુસરણ કરીને લખવામાં આવી છે. મૂળ પાંચ ભાગમાં લખવામાં આવેલી ‘મૃત્યુંજય’ની ‘મહા-અસુર’ નવલકથા-શ્રેણીના પ્રથમ ભાગનું તાજેતરમાં ફિલ્મ અને ટેલિવિઝન એક્ટર ભવ્ય ગાંધી દ્વારા ડિજીટલ વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પુસ્તક વિશે વાત કરતા લેખક પરખ ભટ્ટએ જણાવ્યું હતું કે, ‘મૃત્યુંજય’ નવલકથાનો કથાપ્રવાહ બે ટાઇમલાઇનમાં એકસાથે આગળ વધે છે. સતયુગ અને ૨૧મી સદીના પ્રકરણો વારાફરતી મૂકીને લેખકોએ અહીં બે નરેટિવ ઉભા કર્યા છે, જેમાં એક બાજુ સૃષ્ટિની શરૂઆત, દેવાસુર સંગ્રામ અને કેટલાક અલૌકિક રહસ્યોની વાત કરવામાં આવી છે તો બીજી બાજુ ૨૧મી સદીના પ્રકરણોમાં એક ગૂઢ અને કલ્પનાતીત રહસ્યની ખોજમાં નીકળી પડેલાં યુવકની વાત આલેખવામાં આવી છે.

પુસ્તકના સહલેખક રાજ જાવિયાએ ઉમેર્યું હતું કે,  “દુબઈ અને સોમનાથની પૃષ્ઠભૂમિ પર આકાર લેતી ‘મૃત્યુંજય’ એક રીસર્ચ-બેઝ્ડ નવલકથા છે, જેના માટે અમે બંને લેખકોએ દુબઈ અને સોમનાથની વ્યક્તિગત મુલાકાતો લીધી છે. જિમાની ખીણ, અલ-કુસૈસના મકબરા, ઉમ્મ-સુકૈમ સંસ્કૃતિના ખંડિત અવશેષો, દુબઈ મ્યુઝિયમ સહિત દુબઈના અનેક ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળો પર જઈને તેના કેટલાક ઓછા જાણીતા તથ્યો આ નવલકથાના માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી બાજુ, વેરાવળ-સોમનાથના કેટલાક મહત્વના સ્થળો જેમકે, સોમનાથ મ્યુઝિયમ, ગીતા મંદિર, ત્રિવેણી સંગમ, ભાલકા તીર્થ, રામ મંદિર, પાંડવ ગુફા, બલરામ ગુફા વગેરેની મુલાકાતો પણ ફિલ્ડ-રીસર્ચ દરમિયાન સામેલ કરવામાં આવી હતી.”

પરખ ભટ્ટએ વધુમાં જણાવ્યું કે, ‘ફોર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો’ના હિમાંશુ જોષી, કિશન જોષી અને યશ પરમાર દ્વારા ‘મૃત્યુંજય’નું 360-ડિગ્રી માર્કેટિંગ પ્લાન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી સાહિત્યજગતમાં સર્વપ્રથમ વખત નવલકથાનું ટ્રેલર સિનેમેટિક સ્તર પર શૂટ કરવામાં આવ્યું હતું. નવી પેઢી અને નવા ગુજરાતી વાચકો સુધી એક માર્મિક તથા અર્થસભર સંદેશો પહોંચાડવા માટે લેખકો દ્વારા લઘુરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને 11 કર્મકાંડી બ્રાહ્મણોના સંયુક્ત પ્રયાસો થકી પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી આયોજિત કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, કોઈ ગુજરાતી નવલકથા ભારતના અગ્રગણ્ય ‘થોમ્સન પ્રેસ’ ખાતે પ્રિન્ટિંગ માટે મોકલવામાં આવી હોય, તેવી આ પહેલી ઘટના છે. ભારતના અન્ય જાણીતાં પ્રકાશનો (જેમકે વેસ્ટલેન્ડ, પેંગ્વિન, હાર્પર કૉલિન્સ વગેરે) પણ જ્યાં પોતાના પુસ્તકો પ્રિન્ટ કરાવે છે, એવા ‘થોમ્સન પ્રેસ’માં ગુજરાતી પુસ્તક છપાવાની ઘટના ખરેખર ગૌરવપ્રદ ગણી શકાય.

‘નવભારત સાહિત્ય મંદિર’ના અનુભવી પ્રકાશક મહેન્દ્ર શાહ, રોનક શાહ અને કૃણાલ શાહ દ્વારા ‘મૃત્યુંજય’ની 5000 પ્રત છાપવામાં આવી છે.

‘મૃત્યુંજય’ www.navbharatonline.com પરથી ખરીદી શકાશે. તદુપરાંત, આ પુસ્તક હવે એમેઝોન પર પણ ઉપલબ્ધ છે.

(સંકેત)