Site icon Revoi.in

ગુજરાતમાં 1લી મેથી 18થી વધુ વયના લોકોને નિ:શુલ્ક વેક્સિન અપાશે, સરકારે 1.50 કરોડ ડોઝની વ્યવસ્થા સુનિશ્વિત કરી

Social Share

અમદાવાદ: સમગ્ર દેશમાં જ્યારે મે મહિનાથી યુવાવર્ગ માટે રસીકરણ અભિયાન શરૂ થવાનું છે ત્યારે રાજ્યમાં પણ આગામી 1લી મેથી 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્વિત કરી છે. ગુજરાતમાં યુવાનોને નિ:શુલ્ક રસીનો ડોઝ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં  મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા આ ઉદ્દેશ માટે પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિશિલ્ડ વેક્સિનના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસીના 50 લાખ ડોઝ મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.

કોર કમિટીની બેઠક દરમિયાન સીએમ રૂપાણીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ આગામી 1મેથી સમગ્ર દેશમાં 18 થી 45 વર્ષની ઉંમરના લોકો માટે કોરોના રસીકરણ શરૂ થવાનું છે. તેમાં ગુજરાત આ દોઢ કરોડ રસીકરણ ડોઝ દ્વારા પોતાનુ યોગદાન આપવા પ્રતિબદ્વ છે. ગુજરાતમાં 6000 જેટલા સરકારી તેમજ ખાનગી રસીકરણ કેન્દ્રો મારફતે આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 45થી વધુ વયના નાગરિકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં રાજ્યમાં 1 કરોડ 13 લાખ જેટલા વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ હવે રસીકરણનું આ અભિયાન છેક જિલ્લા અને તાલુકા કક્ષા સુધી આયોજપૂર્વક વ્યાપક બનાવી રાજ્યમાં 18 થી 45 વર્ષની વયના પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિનું રસીકરણ થાય તે વ્યવસ્થાઓ ગોઠવવા કોર કમિટીની બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. આવા 18 થી 45 વર્ષની વયના લોકોએ રસીકરણ માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કોવિન પોર્ટલ પર તારીખ 28 એપ્રિલથી કરાવી શકશે અને તેના આધાર ઉપર તેમને રસીકરણ અંગેની જાણ થયેથી રસીકરણ કરાવવાનું રહેશે.

તેમણે રસીકરણ વિશે જણાવ્યું કે, ‘કોરોનાથી બચવાનો અમોધ ઉપાય રસીકરણ છે ત્યારે રાજ્યમાં હાલ જે રીતે રસીકરણ અભિયાન વેગવાન બન્યું છે, તે જ રીતે હવે આગામી 1 મેથી 18 થી 45 વર્ષની વયના સૌ કોઈને કોરોના વેક્સિનથી સુરક્ષિત કરવા વરિષ્ઠ સચિવો સહિત જિલ્લા વહીવટી તંત્રના સૌ અધિકારીઓ કર્મચારીઓ પોતાનું દાયિત્વ નિભાવે તે આવશ્યક છે.’

આ કોર કમિટીની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર સચિવશ્રીઓ સંજીવ કુમાર, હારીત શુક્લા, ધનંજય દ્વિવેદી અને આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવ હરે ઉપસ્થિત રહ્યા હતા.

આ રસીકરણ માટે 18થી 45 વર્ષના નાગરિકોએ કોવિન એપ્લિકેશન અને વેબસાઇટ પરથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આગળની સૂચના મુજબ મેસેજ થકી રસીકરણ કરાવવા માટે તેમને માહિતગાર કરાશે.

નોંધનીય છે કે, ગુજરાતમાં 18 વર્ષથી ઉપરના લગભગ 4.85 કરોડ જેટલાં નાગરિકો છે. આ તમામનું રસીકરણ કરવામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. હાલ ગુજરાતનો ઘણો આરોગ્ય સ્ટાફ કોરોના દર્દીઓની સારવારમાં વ્યસ્ત હોવાથી શરૂઆતમાં રસીકરણ પ્રક્રિયા થોડી ધીમી ચાલશે. પરંતુ સંક્રમણ ઓછું થાય અને આરોગ્ય સ્ટાફ પરનું ભારણ હળવું થાય તો રસીકરણ કેન્દ્રોની સંખ્યા વધારીને 20,000 જેટલી કરવામાં આવશે.

મહત્વનું છે કે, ગુજરાત સરકારના અંદાજ મુજબ રાજ્યમાં 18થી 45 વર્ષની વયજૂથના 3.25 કરોડ નાગરિકો છે. ગુજરાત સરકાર દરેક નાગરિકને રસી લેવા માટે કહે છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાનના જણાવ્યા અનુસાર 70 ટકા વસ્તી રસી લે તો હર્ડ ઇમ્યુનિટી આવે અને કોરોના કાબૂમાં આવી શકે છે.

(સંકેત)