- ગુજરાત સરકારે વેક્સિનેશનના નિયમોમાં અચાનક કર્યો ફેરફાર
- હવે બે ડોઝ વચ્ચે 42 દિવસનું અંતર અનિવાર્ય કરવામાં આવ્યું
- આ પ્રોસેસ માટે હવે કોવિન પોર્ટલ પર અપડેટ કરવામાં આવ્યું
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે અને તેમાં ખૂબ જ ઘસારો પણ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગુજરાત સરકારે અચાનક જ કોરોનાની રસીને લઇને નિયમોમાં ફેરફાર કર્યા છે. જે મુજબ હવેથી કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ પહેલો ડોઝ લીધાના 42 દિવસ બાદ જ મળશે. આ પ્રોસેસ માટે કોવિન પોર્ટલ પર પણ જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારના અણધાર્યા ફેરફારથી જેમની ઉંમર 45થી ઉપર છે અને રસી માટે સ્લોટ બૂક કરાવી દીધો છે તેઓ હવે મૂંઝવણમાં મૂકાયા છે.
આ અંગે સ્ટેટ ઇમ્યૂનિઝેશન ઓફિસર ડૉ. નયન જાની અનુસાર, અત્યારસુધીમાં બે ડોઝ વચ્ચેનું અંતર 4 સપ્તાહ હતું, પરંતુ હવે તેમાં ફેરફાર કરાયો છે. હવે પ્રથમ ડોઝ લેનાર વ્યક્તિને 42 દિવસ પહેલા રસીનો બીજો ડોઝ મળશે નહીં. કોવિન પ્લેટફોર્મ પણ અપડેટ કરી દેવાયું છે. હાલના અભ્યાસ અનુસાર બે રસીના અંતર વચ્ચે વધારાથી રસી લેનારાને લાભ થાય છે.
આ સ્થિતિમાં જે લોકોએ પહેલેથી પોતાનો સ્લોટ બૂક કરાવી દીધો છે, તેઓને જો 42 દિવસનો સમય નહીં થયો હોય તો લાભ લેનારને બીજો ડોઝ મળશે નહીં, તે માટે તેઓએ ફરીથી નવી તારીખમાં સ્લોટ બૂક કરાવવાનો રહેશે. 45થી વધુ વયના લોકો જો કે વોક-ઇનનો લાભ ઉઠાવી શકશે.
આ દરમિયાન, બીજી તરફ ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશનમાં લોકોનો વધુ ઘસારો જોવા મળતા મોટા પાયે અવ્યવસ્થાનો માહોલ સર્જાઇ રહ્યો છે. કેટલીક જગ્યાએ સેશન ઓછા કરી દેવાયા છે, તો કેટલીક જગ્યાએ લોકોને ટોકન અપાયા બાદ બીજા દિવસે રસી લેવા માટે આવવા કહેવામાં આવ્યું છે.
(સંકેત)