ગાંધીનગર: સ્વતંત્ર ભારતમાં માતૃભૂમિની સરહદોની રક્ષાનું ભગીરથ કાર્ય સૈન્ય જવાનોનું છે, પરંતુ ખેડૂતોનું દેશ માટેનું યોગદાન તેનાથી સહેજે ઉતરે તેવું નથી. આપણી સંસ્કૃતિમાં ખેડૂતોને ધરતીપુત્રો કહેવાયા છે તો આપણે તેમને જગતના તાતની ઉપાધિ આપી યોગ્ય સન્માન ભેટ ધર્યું છે. મોદી સરકારે દેશના ખેડૂતોની સમસ્યાઓનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને વખતો વખત તેમના ઉદ્ધાર-ઉત્થાન માટે વિવિધ યોજનાઓ પણ મુકી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતોએ દિલ્હીની સરહદો ઉપર આંદોલન હાથ ધર્યું છે.
ખેડૂતોએ પોતાની માંગ શરૂ કરી ત્યારથી જ મોદી સરકાર વિવિધ સ્તરે રજે રજની માહિતી મેળવી સ્થિતિનો સતત અભ્યાસ કરી રહી છે અને સ્પષ્ટ લાગી રહ્યું છે કે ખેડૂતોએ શરૂ કરેલું આંદોલન ખેડૂતોનું પોતાનું છે જ નહીં, કોંગ્રેસ સહિતના વિપક્ષોનો દોરીસંચાર તેની પાછળ છે. હકીકતમાં સરકારે જે નવા કૃષિ કાયદા બનાવ્યા છે તે ખરેખર ખેડૂતોના હિતમાં જ છે. પરંતુ તેનો યોગ્ય અભ્યાસ કર્યા વિના અથવા તો તેનું ખોટું કે પછી મન ફાવે તેવું અર્થઘટન કરીને ખેડૂતોને ભ્રમિત કરવામાં આવી રહ્યાં છે, ઉશ્કેરવામાં આવી રહ્યાં છે.
મોદી સરકારની નીતિ પહેલેથી જ સ્પષ્ટ છે, ખેડૂતોની વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવું, આર્થિક રીતે પગભર અને સદ્વર કરવા, આવક વધારીને બમણી કરવી, ખેડૂતો તેમજ ખેતી સાથે સંકળાયેલા પરિવારોનું જીવન સ્તર ઊંચું લાવવું, તેમના આરોગ્ય, શિક્ષણ, સામાજીક જેવા તમામ ક્ષેત્રે યોગ્ય લાભ આપવાનો સરકારનો મક્કમ નિર્ધાર છે. નાના અને સીમાંત ખેડૂત પરિવારોને દર વર્ષે રૂ.6000ની આવક સહાય આપતી પીએમ કિસાન સન્માન યોજના સહિતની અનેક યોજનાઓ સરકારે અમલમાં મુકી છે. આ ઉપરાંત છેલ્લા બજેટમાં પણ કૃષિ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ.1 લાખ કરોડની ફાળવણી ઉપરાંત ખેડૂતોને સુવિધા આપવાના હેતુ સાથે અનેક યોજનાઓમાં કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
નવા કૃષિ કાયદાને લઇને જે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, તેમાં મુખ્યત્વે એમએસપી એટલે કે પાકની ન્યૂનતમ કિંમતનો છે. સરકાર સતત ખુલાસા કરી રહી છે, વચનો આપી રહી છે કે તેને દૂર કરવાની કોઇ યોજના જ નથી, પરંતુ આ મુદ્દાને લઇને ખેડૂતોમાં ડરનો માહોલ પેદા કરવામાં આવી રહ્યો છે. એપીએમસી મુદ્દે પણ સરકારની નીતિ સ્પષ્ટ છે, ખેડૂતોને નવા કાયદા મુજબ પોતાનું ઉત્પાદન પોતાની પસંદગીના ખરીદદારને વેચવાની આઝાદી આપવામાં આવી છે, પરંતુ તેનો પણ અયોગ્ય વિરોધ કરવામાં આવી રહ્યો છે.
એટલી હદે કે સરકારે જે નવા કૃષિ કાયદા રજૂ કર્યા છે, તેમાં સમાવાયેલા મુદ્દાઓની માંગ એક સમયે કોંગ્રેસે ખુદ કરી હતી. ખેડૂતોના હિત માટે અગાઉ કોંગ્રેસ આવા જ મુદ્દાઓને લઇને રસ્તે ઉતરી હતી. હવે જ્યારે સરકારે તે માંગ પૂરી કરી છે ત્યારે કોંગ્રેસે માત્ર વિરોધ કરવા માટે યુ-ટર્ન મારી લીધો છે. મોદી સરકારે ખેડૂતોની વર્ષો જૂની માંગ પૂરી કરી તે હવે મોદી સરકારના વિરોધીઓને ગળે ઉતરતું નથી અને ખેડૂતોને ભ્રમિત કરવાનું અભિયાન શરૂ કરી દીધું છે. દેશભરના મોટાભાગના ખેડૂતો વિરોધીઓની આ શાહમૃગની નીતિથી વાકેફ છે અને તેથી જ તેમણે આંદોલનને સમર્થન કર્યું નથી. ત્યારે દેશના તમામ ખેડૂતોની પણ હવે ફરજ બને છે કે તેમના નામને આગળ કરીને શરૂ કરાયેલા મોદી સરકાર વિરોધી અને વિપક્ષ પ્રેરિત આંદોલનથી ખેડૂતોને જ નુકસાન જવાનું છે, જેથી તેને રોકવામાં આવે, જે સમયની જરૂરિયાત પણ છે.
આદરણીય નરેન્દ્રભાઈ મોદી 2002માં ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે ખેડૂતોની વાર્ષિક આવક અંદાજે રૂ. 9000 કરોડ હતી, જે આજે વધીને દોઢ લાખ કરોડથી વધુ થઈ છે. તેમના કાર્યકાળથી જ કૃષિ મેળાઓ, ટેક્નિકલ સહાય સહિત ખેડૂતોને સંલગ્ન અનેક કાર્યક્રમો તેમજ યોજનાઓ શરૂ થઈ છે, જેને કારણે આજે ખેડૂત સમૃદ્ધ થયો છે.
ભાજપના એક કાર્યકર તરીકે હું સી આર પાટીલ, વિશ્વાસ સાથે ખાતરી આપું છું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના એકમાત્ર એવા PM છે, જેમણે ખેડૂતો અને તેમની સમસ્યાઓને સમજ્યા છે, પ્રશ્નોનો ઉકેલ લાવ્યા છે. મને વિશ્વાસ છે કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ ખેડૂતોનું હિતને જ મહત્વ આપે છે અને આપશે, જેથી આપ સૌ ખેડૂતમિત્રોએ પણ તેમના પર વિશ્વાસ રાખવો જ જોઈએ.
(સંકેત)