બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન: એફએસએલએ દિપીકા પાદુકોણ, સારા અલી ખાન સહિતના મોબાઇલ ડેટા રિકવર કર્યા
- મુંબઇ એક્ટર્સનો ડ્રગ્સ લેવાનો મામલો ગુજરાત સુધી પહોંચ્યો
- ગાંધીનગર FSLએ દિપીકા પાદુકોણ, સારા અલી ખાન, ડ્રગ પેડલર્સના ડેટા રિકવર કર્યા
- ડેટાના આધારે NCB હિરોઇનનો ડ્રગ્સ પેડલર સાથેના કનેક્શન શોધશે
ગાંધીનગર: મુંબઇમાં એક્ટર્સનો ડ્રગ્સ લેવાનો મામલો ગુજરાત સુધી પહોંચ્યો છે. એનસીબીએ ડ્રગ્સના મૂળ સુધી પહોંચવા માટે ગુજરાત એફએસએલની મદદ લીધી છે. ગાંધીનગર એફએસએલએ દિપીકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્વા કપૂર તેમજ ડ્રગ પેડલર્સના 80થી વધારે ફોનમાંથી ડેટા રિકવર કર્યા છે. ગાંધીનગર FSLએ વોટ્સએપ કોલ-ચેટ, વીડિયો ક્લિપ્સ સહિતનો બે વર્ષનો ડેટા એનસીબીને આપ્યો છે. મોબાઇલમાંથી મળેલા ડેટાના આધારે હીરો અને હિરોઇનનો ડ્રગ્સ પેડલર સાથેના કનેક્શન NCB શોધશે.
આપને જણાવી દઇએ કે બોલિવૂડ એક્ટર સુશાંત સિંહની આત્મહત્યા બાદ બોલિવૂડ સ્ટાર્સના ડ્રગ્સના રહસ્યો ખુલ્લા પડ્યા છે. અનેક સ્ટાર્સ ડ્રગ્સ લેવાના મામલે સપડાયા છે. જેમાં હવે એનસીબી ગાંધીનગર એફએસએલમાં પહોંચ્યું છે. ગાંધીનગર એફએસએલ પાસે બોલિવૂડ સ્ટાર્સના 100થી વધુ ગેજેટ્સ આવ્યા છે. જેમાં 80 જેટલા આઇફોન આવ્યા છે. તેમાંથી 30 મોબાઇલના ડેટાનું FSL દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર એફએસએલ પાસે આ મોટી કામગીરી છે જેમાં એકસાથે 100 જેટલા ફોનનું એનાલિસિસ કરવામાં આવે છે. જેમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્વા કપૂર, રિયા ચક્રવર્તી, અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ તેમજ કેટલાક સ્ટાર્સના મોબાઇલ સામેલ છે. આ તમામ સ્ટાર્સના ફોન એનસીબી દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાઁથી વીડિયો ક્લીપિંગ્સ, વોટ્સએપ ચેટ, વોટ્સએપ કોલ તથા અન્ય એપમાંથી માહિતીનું એનાલિસીસ કરવાનું છે. આ તમામ ડેટામાં સ્ટાર્સના ડ્રગ પેડલર સાથેના કનેક્શન શોધવાના છે.
નોંધનીય છે કે હજુ પણ અનેક ફોનના ડેટા લેવાના બાકી છે. એફએસએલની ટીમને હજુ પણ 70 ગેજેટ્સનું એનાલિસિસ કરવાનું બાકી છે. એફએસએલ દ્વારા આ ફોનમાંથી ડેટા કાઢવો મુશ્કેલ હતો પરંતુ એફએસએલ દ્વારા આ ફોનમાંથી ડેટા કાઢવા માટે ખાસ ટૂલ ડેવલપ કર્યું હતું અને તેમાંથી ડેટા રિટ્રાઇવ કરીને એનસીબીને સોંપાયો હતો.
(સંકેત)