1. Home
  2. ગુજરાતી
  3. “હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી, જિંદગીભર હપતે હપતે રોજ ચૂકવાયો હતો”: લોકપ્રિય ગઝલકાર ખલીલ ધનતેજવીનું નિધન
“હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી, જિંદગીભર હપતે હપતે રોજ ચૂકવાયો હતો”: લોકપ્રિય ગઝલકાર ખલીલ ધનતેજવીનું નિધન

“હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી, જિંદગીભર હપતે હપતે રોજ ચૂકવાયો હતો”: લોકપ્રિય ગઝલકાર ખલીલ ધનતેજવીનું નિધન

0
Social Share
  • ગુજરાતી સાહિત્ય ક્ષેત્રના દિગ્ગજ ગઝલકાર અને કવિ ખલીલ ધનતેજવીનું અવસાન
  • ગુજરાતી સાહિત્ય જગતનો તેજસ્વી તારલો ખરી પડ્યો
  • 2019માં તેમને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થયો હતો

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રને એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, રવિવારે જાણીતા ગુજરાતી અને ઉર્દુ ગઝલકાર, કવિ ખલીલ ધનતેજવીનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. સવારની નમાઝ અદા કર્યા બાદ તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ ગુજરાતી સાહિત્ય જગતનો તેજસ્વી તારલો ખરી પડ્યો હતો. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રને એક મોટી ખોટ સાલશે. તેમના નિધન પર જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઇ (રિયલ વોઇસ ઑફ ઇન્ડિયા) પરિવારએ શ્રદ્વાંજલિ પાઠવી છે.

ખલીલ ધનતેજવીએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું એ સમાચાર મળતા જ સાહિત્ય જગતમાં સોંપો પડી ગયો હતો અને સાહિત્યપ્રેમીઓની આંખો ભીંજાઇ ગઇ છે. તેમનું સાચુ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતું અને તેમનો જન્મ 12 ડિસેમ્બર, 1935ના રોડ વડોદરાના ધનતેજ ગામમાં થયો હતો. ગામના નામ પરથી તેમણે ધનતેજવી અટક રાખી હતી.

પત્રકારત્વ ક્ષેત્રે પણ યોગદાન

તેઓ સાહિત્ય ઉપરાંત પત્રકારત્વ સાથે પણ સંકળાયેલા હતા. તેમણે નવલકથાઓ લખી હતી જેના પરથી ગુજરાતી ફિલ્મો પણ બની હતી. ખલીલભાઇએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં પટકથા લેખક તરીકે પણ કામ કર્યું હતું. છૂટાછેડા ફિલ્મના લેખન અને દિગ્દર્શન માટે તેમને રાજ્યકક્ષાના પુરસ્કારો દ્વારા નવાજીત કરાયા હતા.

નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત

2019માં તેમને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થયો હતો. એ પહેલાં 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર મળ્યો હતો. 2003માં તેમને કલાપી પુરસ્કાર પણ અપાયો હતો.

તેમના કેટલાક જાણીતા શેર

હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,

જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.

*

એક તો આ જિંદગી ઓછી મળી,

એમાં જીવનભરની ખામોશી મળી.

ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,

ક્યાંક અમને બાતમી ખોટી મળી.

*

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,

ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.

*

કોઈ સ્થળે બેચાર મરે છે,

ક્યાંક કશે દસબાર મરે છે;

હિન્દુ મુસ્લિમ બંને સલામત,

માણસ વારંવાર મરે છે.

*

રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,

તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;

ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,

આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code