Site icon Revoi.in

સીએમ રૂપાણીનો આશાવાદ: કેન્દ્રનું 2024 સુધી ઘરે ઘરે નળથી જળ પહોંચાડવાનું લક્ષ્ય ગુજરાત 2022માં પૂર્ણ કરશે

Social Share

ભાવનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રૂ.376 કરોડના ખર્ચે બુધેલથી બોરડા બલ્ક પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે બુધેલ બોરડા બલ્ક પાઇપલાઇનના નિર્માણ બાદ ભાવનગરના તળાજા તથા મહુવા, અમરેલીના રાજુલા અને જાફરાબાદ તથા ગીર સોમનાથ જીલ્લાના ઉના અને કોડિનાર તાલુકા જૂન 2022 સુધી વોટર-ગ્રીડ થકી જોડાઇ જશે. ભવિષ્યમાં સોમનાથ મંદિર પરિસરમાં પીવાનું શુદ્વ પાણી આ વોટર ગ્રીડથી પહોંચશે.

ભાવનગર ખાતે બુધેલથી બોરડા બલ્ક પાઇપલાઇનના ખાતમુહૂર્ત પ્રસંગે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, રૂ.376.19 કરોડની આ યોજનાથી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લાના 20 શહેરો અને 612 ગામોની કુલ 43 લાખની વસ્તીને વધારાના પાણીનો લાભ મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા 1 સપ્તાહમાં પાણી પુરવઠા યોજનાના 3300 કરોડના ખાતમુહૂર્તો-લોકાર્પણ થયા છે.

સીએમ રૂપાણીએ એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્ર સરકારે 2024 સુધી ઘરે ઘરે નળથી જળ પહોંચાડવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે જેને આપણે વર્ષ 2022માં જ પુર્ણ કરીશું. ટાંકી સુધી પાણી ગ્રેવીટીથી આવે છે ત્યાંથી સૌરાષ્ટ્ર કચ્છ સુધી 100 માળ જેટલું લીફ્ટ કરી લઇ જવાય છે.

જણાવી દઇએ કે રાજ્યમાં પીવાના પાણીની 1 લાખ કિ.મી.થી વધુ પાઇપલાઇનનું નેટવર્ક ભાજપની સરકારે બિછાવી છે. ગુજરાતમાં 70 ટકા વરસાદ 30 ટકા ભૂમી પર અને 70 ટકા ભૂમી પર 30 ટકા વરસાદ પડે છે. આ પેટર્નને કારણે પાણીનું સંતુલિત માળખું વિકસાવવાનું આયોજન સરકારે કર્યું છે.

મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર, કચ્છ અને તળ કાઠિયાવાડના પાણીના પ્રશ્નોનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ ‘સૌની યોજના’ થકી કાયમ પાણીથી છલોછલ રહેશે. ખેડૂતોને સિંચાઇ અને લોકોને પીવાના પાણીની ચિંતા નહી રહે.

(સંકેત)