- નવા વર્ષના પ્રારંભમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને આપી ભેટ
- રાજ્ય સરકાર જનતાની સુખાકારી માટે 1 હજાર નવી બસ ખરીદશે
- આ નવી 1000 બસ અદ્યતન ટેક્નોલોજી બીએસ-6થી સજ્જ હશે
ગાંધીનગર: વર્ષ 2021ના પ્રારંભમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને ભેટ આપી છે. રાજ્ય સરકાર નાગરિકોની સુખાકારી માટે 1000 નવી બસ ખરીદશે. 1000 બસ આગામી જૂન મહિનાથી રાજ્યના મુસાફરોની સેવામાં કાર્યરત થઇ જશે. મુખ્યમંત્રીએ આ જાણકારી આપી હતી. આ નવી 1000 બસ અદ્યતન ટેક્નોલોજી બીએસ-6થી સજ્જ હશે જેનાથી પર્યાવરણની પણ રક્ષા થશે. તે ઉપરાંત સ્વચ્છ પર્યાવરણ પ્રિય પરિવહન સેવામાં એસ.ટી.નિગમ નવી 50 ઇલેક્ટ્રિક બસ પણ દોડાવશે.
રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા તલોદ, સિદ્વપૂર, અંકલેશ્વર, ચુડા તેમજ દિયોદરમાં કુલ રૂ.12.89 કરોડના ખર્ચે નવનિર્મિતિ પાંચ બસ મથકો, ઊનામાં રૂ.2.36 કરોડના ખર્ચે નવનિર્મિત ડેપો વર્કશોપના ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યા છે.
આ લોકાર્પણ ઉપરાંત રાજ્યમાં 10 સ્થળો વસઇ, કોટડાસાંગાણી, ભાણવડ, મહુવાસ તુલસીશ્યામ, ધાનપૂર, કેવડિયા કોલોની, સરા, કલ્યાણપૂર અને ટંકારા ખાતે કુલ રૂ.18.41 કરોડના ખર્ચે નિર્માણ થનારા નવિન બસ મથકોને ઇ-ખાતમુહૂર્ત વિધિ પણ સંપન્ન કરી હતી.
વર્ષ 2021ના પ્રારંભમાં જ મુખ્યમંત્રીએ રૂ.33.66 કરોડના જનસેવા પ્રકલ્પો સામાન્ય માનવી અને મુસાફરો જનતાની સેવા માટે ભેટ કર્યા છે.
ગુજરાત એસ.ટી નિગમ રોજની 45 હજારથી વધુ ટ્રિપના સંચાલનમાંથી ૩૦ હજાર ગામોમાં કરવામાં આવે છે અને દરેક ગામને ઓછામાં ઓછી રોજની બે ટ્રિપ મળે તેવું આયોજન કર્યુ છે. એસ.ટી પ્રજાની સેવા માટેનું સાધન છે અને વિદ્યાર્થીઓ, વૃદ્ધો, દિવ્યાંગોને કન્સેશન-રાહત સેવા આપવા સાથે ગરીબ-જરૂરતમંદ લોકોને લગ્ન જેવા પ્રસંગોમાં રાહત દરે બસ આપવાની સગવડો લોકસેવાનો શ્રેષ્ઠ વિકલ્પ બન્યું છે.
(સંકેત)