- કોરોનાના વધતા સંક્રમણને કારણ યુજીની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો
- બીજી તરફ યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર-1ની પરીક્ષાઓ એપ્રિલ અંત સુધીમાં પૂર્ણ કરી દેવી પડે તેમ છે
- જેથી ગુજરાત યુનિ. દ્વારા હવે 12મી એપ્રિલથી પરીક્ષાઓ યોજવામાં આવશે
નવી દિલ્હી: કોરોનાના વધતા સંક્રમણ બાદ સરકારે 10 એપ્રિલ સુધી અમદાવાદ સહિતના 8 મહાનગરોમાં સ્કૂલો-કોલેજો બંધ રાખવાનો તેમજ યુજીની તમામ પરીક્ષાઓ મોકુફ કરવાનો આદેશ કર્યા બાદ ગુજરાત યુનિ.એ હવે મોકૂફ કરેલી યુજી સેમેસ્ટર-1ની પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરી છે. જે મુજબ 12મી એપ્રિલથી પરીક્ષાઓ શરૂ થશે.
ગુજરાત યુનિ. દ્વારા બીએ, બી.કોમ, બી.એસસી, બીબી-બીસીએ, અને બી.એડ સેમેસ્ટર-1 તથા ઇન્ટિગ્રેટેડ લૉ સેમેસ્ટર 4, 6 અને 8ની તથા BSC FD તેમજ ફાયર સેમેસ્ટર-1ની પરીક્ષા 18મી એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી. દરેક કોર્સમાં પ્રથમ પેપરની પરીક્ષા પૂર્ણ થયા બાદ કોરોનાના સંક્રમણને કારણે આગામી આદેશ સુધી પરીક્ષા સરકારે મોકૂફ રાખી હતી. સરકારે 10 એપ્રિલ સુધી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ તેમજ ગાંધીનગર સહિતના 8 મહાનગરોમાં સ્કૂલો-કોલેજો બંધ રાખવા તેમજ તમામ યુનિ.ઓની યુજીની પરીક્ષાઓ મોકુફ રાખવા આદેશ કર્યો હતો.
10 એપ્રિલ સુધી યુનિ.ઓ પરીક્ષા લઇ શકે તેમ નથી પરંતુ બીજી બાજુ યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર-1ની પરીક્ષાઓ એપ્રિલ અંત સુધીમાં પૂર્ણ કરી દેવી પડે તેમ છે જેથી ગુજરાત યુનિ. દ્વારા 12મી એપ્રિલથી પરીક્ષાઓ શરૂ કરવાનો પરિપત્ર જાહેર કરાયો છે. યુનિ. દ્વારા પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરી દેવાયું છે અને આ પરીક્ષાઓ ઓફલાઇન રીતે જ લેવાશે.
નોંધનીય છે કે અગાઉ નિર્ધારિત બેઠક વ્યવસ્થા પ્રમાણે જ બેઠક વ્યવસ્થા રહેશે તેમજ હોલ ટિકિટ પણ અગાઉની જેમ જ રહેશે, જે વિદ્યાર્થીએ લેવાની રહેશે. નવેસરથી હોલ ટિકિટ જાહેર નહીં કરવામાં આવે કે બેઠક વ્યવસ્થા પણ યથાવત્ રખાશે.
(સંકેત)