કોરોનાથી સ્વસ્થ થયા બાદ ગુલિયન બારી સિન્ડ્રોમે દેખા દીધી, 10 દર્દીઓના હાથ-પગ લકવાગ્રસ્ત
- કોરોનાના દર્દીઓમાં મ્યુકોરમાઇકોસિસ બાદ હવે ગુલિયન બારી સિન્ડ્રોમે ચિંતા વધારી
- અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવા દસ કેસ આવ્યા છે
- આ જૂની બીમારી છે જેમાં હાથ-પગ લકવાગ્રસ્ત થઇ જાય છે
અમદાવાદ: કોરોના મટ્યા બાદ કેટલાક દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસ નામની બીમારીએ દેખા દીધી હતી અને હવે મ્યુકોરમાઇકોસિસ બાદ ગુલિયન બારી સિન્ડ્રોમ નામના રોગે ચિંતા વધારી છે. રાજ્યમાં અમદાવાદ અને રાજકોટમાં ગુલિયન બારી સિન્ડ્રોમના દર્દીઓ નોંધાયા છે. આ રોગ આમ જૂનો છે પરંતુ કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં આ રોગ વકર્યો છે, આ રોગમાં હાથ પગે લકવો મારી જાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવા દસ કેસ આવ્યા છે.
નિષ્ણાતો અનુસાર, આ રોગના કારણે આખા શરીરમાં ચેતાઓને અસર થતી હોય છે, જેના કારણે લકવો થતો હોય છે અને મગજ સુધી અસર થાય છે. કોવિડમાં ઇમ્યુનિટી ઘટે છે, ટોસિલિઝુમેબ અને રેમડેસિવીર ઇન્જેક્શનના કારણે ઇમ્યુનિટી ઘટે છે. આ કારણે કોવિડથી સાજા થયેલા દર્દીઓમાં આવા કેસ વધુ જોવા મળે છે. તબીબો અનુસાર 2 થી 6 સપ્તાહમાં આ રોગ વધી જાય છે.
આ રોગ વિશે વાત કરીએ તો દર્દી આ રોગમાં વેન્ટિલેટર સુધી પહોંચી જતો હોય છે જ્યાં બચવાની શક્યતાઓ ઓછી હોય છે. 2 થી 6 સપ્તાહમાં આ રોગ વધી જતો હોય છે. જો યોગ્ય સારવાર ના મળે તો 60 ટકા દર્દીઓ 6 મહિનામાં સાજા થવાની શક્યતાઓ છે. ગુલિયન બારી સિન્ડ્રોમમાં આઇ.વી.આઇ.જી.થી સારવાર કરવામાં આવે છે જે અત્યંત ખર્ચાળ છે.
આ બિમારીમાં પ્લાઝમા પેરેસિસની સારવાર આપવામાં આવતી હોય છે. આની સારવાર માટે એક ઇન્જેક્શન આપવામાં આવે છે જેની કિંમત 70 હજાર રૂપિયા છે, આ 70 હજારના ઇન્જેક્શન એક દર્દીને 5 થી 6 આપવામાં આવે છે. આ રોગ પહેલા એક હજાર વ્યક્તિએ એક વ્યક્તિને થતો હતો પરંતુ કોરોના બાદ આ રોગે માથું ઉચક્યું છે.
નોંધનીય છે કે અત્યારસુધીમાં ગુજરાતમાં અને મુંબઇમાં અનેક કેસ નોંધાઇ ચૂક્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ 10 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદની મોટી ખાનગી હોસ્પિટલમાં પણ આ પ્રકારના કેસ જોવા મળ્યા છે.
(સંકેત)