- ગુજરાતમાં કેટલાક દિવસથી સર્જાયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન
- આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી
- જો કે આગામી દિવસોમાં ગરમીથી પણ રાહત મળવાની સંભાવના
અમદાવાદ: કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી સાયક્લોનિક સકર્યુલેશનને કારણે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ અનુસાર, હજુ આગામી 5 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવી વીજળી, વરસાદ અને વાવાઝોડાની આગાહી કરાઇ છે. આ સાથે ગરમીમાં બીજી તરફ ઘટાડાની શક્યતા વ્યક્ત કરાઇ છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, અરવલ્લી, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, ડાંગમાં વાવાઝોડા તેમજ ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડવાનું અનુમાન છે.
કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યના કુલ આઠ શહેરોમાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર નોંધાયો હતો. જોકે હજુ રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ડીસામાં 42.4 અને અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કાળઝાળ ગરમીના કારણે શહેરના રસ્તાઓ સૂમસામ બન્યા હતા.
નોંધનીય છે કે, ગત મંગળવારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં સુસવાટા સાથે પવન ફૂંકાયો હતો. આ સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ ગઇ હતી. અમરેલીના ધારી પંથકના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોવિંદપુર, કુબડામા ધોધમાર વરસાદ વરસતા ગામના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા.
(સંકેત)