Site icon Revoi.in

હવે રાજ્ય બહારથી અમદાવાદ પરત આવતા સમયે નહીં કરાવવો પડે RTPCR ટેસ્ટ પરંતુ આધારકાર્ડ દર્શાવવું પડશે

Social Share

અમદાવાદ: રાજ્યમાં સતત વધતા કોરોના કેસ વચ્ચે રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકોને RTPCR ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. ત્યારે અમદાવાદીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં રહેતા હોય અને કોઇપણ કારણોસર રાજ્ય બહાર ગયા હોય એવા લોકો શહેરમાં પરત આવે તો તેમને RTPCR ટેસ્ટ કરાવવો હવે આવશ્યક નથી. જો કે અમદાવાદના રહેવાસી છે તેની ઓળખ માટે તમારે આધારકાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે.

AMC અનુસાર, અમદાવાદ શહેરના રહેવાસી કે જેઓ કામકાજથી રાજ્ય બહાર ગયા હોય તેવા રહેવાસીઓને અમદાવાદ શહેરમાં પરત આવવા સમયે RTPCR ટેસ્ટ કરવાની જરૂરિયાત રહેશે નહીં. તેઓ અમદાવાદના રહેવાસી છે તે માટે પુરાવા તરીકે સાથે આધારકાર્ડ રાખવું પડશે. આ નિર્ણયનો અમલ 6 એપ્રિલથી કરવામાં આવશે.

હાલમાં ગુજરાત રાજયમાંથી અન્ય રાજયમાં અને અન્ય રાજયમાંથી ગુજરાતમાં આવનારાઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા અને નેગેટીવ રીપોર્ટ સાથે રાખવા અંગે સરકાર તરફથી મુસાફરી કરવાવાળા માટે ગાઈડલાઈન અને સરકયુલર બહાર પાડવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ દિવસે દિવસે વધુ વિકટ બની રહી છે. એક તરફ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે તે વચ્ચે આજે પણ 3160 નવા કેસ નોંધાયા છે. નવો સ્ટ્રેઇન બૂલેટ ગતિએ વધી રહ્યો છે અને એક પછી એક શહેરોમાં દવાખાના હાઉસફૂલ થઇ રહ્યા છે.

(સંકેત)