- યુપી અન મધ્યપ્રદેશ બાદ ગુજરાત સરકાર પણ લવ જેહાદ વિરુદ્વ કાયદો લાવશે
- આ કાયદા હેઠળ દોષિત વિરુદ્વ કાયદેસર કાર્યવાહી કરવાની જોગવાઇ હશે
- અધ્યાદેશ દ્વારા આ કાયદાને લાગુ કરવા અંગે પણ વિચાર
ગાંધીનગર: સમગ્ર દેશના અનેક ભાગમાં વારંવાર બનતા લવ જેહાદના કિસ્સા બાદ દેશના યુપી અને મધ્યપ્રદેશની જેમ ગુજરાત સરકાર પણ લવ જેહાદ કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. જે અંતર્ગત એવા વ્યક્તિઓ જેઓ લગ્ન તેમજ પ્રેમના નામે સામેના પાત્રને દબાણ કરીને ધર્મ પરિવર્તન માટે પ્રયાસ કરે છે તેમના વિરુદ્વ કાયદેસર કાર્યવાહી કરવાની જોગવાઇ કરવામાં આવશે.
ગુજરાતમાં ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ 2003 અંતર્ગત દબાણ, લાલચ કે પછી છેતરપીંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મ પરિવર્તન કરાવવું કાયદા હેઠ પ્રતિબંધિત છે. જોકે રાજ્ય સરકારે હવે નવા કાયદાને લાવીને લવ જેહાદ મામલે કાયદેસર પગલા ભરવા માગે છે અથવા તો તાજેતરમાં રહેલા કાયદામાં લવ જેહાદનો દ્રષ્ટિકોણ ઉમેરીને તેને વધુ મજબૂત કરવા માગે છે.
રાજ્ય સરકારે આ મામલે જુદા જુદા વિભાગો જેમ કે ગૃહ વિભાગ, કાયદા વિભાગ અને વિધાનસભા બાબતોના વિભાગને યુપી અને મધ્ય પ્રદેશની સરકારો દ્વારા લાગુ કરવામાં આવેલ લવ જેહાદ વિરોધી કાયદાનો અભ્યાસ કરવા અને તેની કાયદેસરતા તપાસવા માટે જણાવ્યું છે.
રાજ્ય સરકારના સૂત્રોએ કહ્યું કે આ દરમિયાન નવો કાયદો વિધાનસભામાં પસાર થાય તે પહેલા રાજ્ય સરકાર ઓર્ડિનન્સ એટલે કે અધ્યાદેશ દ્વારા આ કાયદાને લાગુ કરવા અંગે પણ વિચારી રહી છે.
નોંધનીય છે કે, 2003ના કાયદા મુજબ નાગરિક ધર્મ પરિવર્તન માટે પહેલા જિલ્લા ઓથોરિટી પાસે અરજી કરીને મંજૂરી માગી શકે છે. આ કાયદા અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ દબાણ હેઠળ ધર્મ પરિવર્તન કરાવતો જણાય તો તેને 3 વર્ષની જેલ અને રુ. 50,000 સુધીનો દંડ થઈ શકે છે.
(સંકેત)