અમદાવાદ: રાજ્યના અતિ ગરીબ વર્ગને લઇને હાઇકોર્ટે અવલોકન કર્યું છે. રાજ્યના અતિ ગરીબ વર્ગને પણ આવાસ મળી રહે તેવી નીતિ સરકારે બનાવવી જોઇએ તેવું અવલોકન ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદામાં નોંધ્યું છે. ગાંધીનગરમાં સરકારી જમીન પર વસતા ગરીબોને ઘર ડિમોલીશ થતા હાઇકોર્ટમાં વૈકલ્પિક વ્યવસ્થા માટે થયેલી સંખ્યાબંધ અરજીઓ ફગાવતા કોર્ટે આ નિવેદન નોંધ્યું છે.
ચીફ જસ્ટિસ વિક્રમ નાથ તેમજ જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે નોંધ્યું છે કે દેશના દરેક નાગરિકને રહેઠાણનો અધિકાર એ મૂળભૂત રીતે મળેલો અધિકાર છે પરંત તેનો મતલબ એ નથી કે કોઇ જમીન પર દબાણ કરવામાં આવે. જો કે સમાજના અત્યંત ગરીબ વર્ગને પણ રહેઠાણ મળી રહે તે માટે સરકારને હાઉસિંગ નીતિમાં ફેરફાર કરવાની ભલામણ કરી છે.
ગાંધીનગર રેલવે સ્ટેશન આસપાસના સ્લમમાં છેલ્લાં ત્રણ દાયકાથી રહેતા સંખ્યાબંધ પરિવારોને જુલાઇ-2019માં આ જગ્યા ખાલી કરવા સરકાર તરફથી નોટિસ આપવામાં આવી હતી. સમયાંતરે આ કેસ હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ આવ્યો હતો અને સિંગલ જજે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ સમયગાળામાં મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ ડિવીઝન બેન્ચમાં અપીલ કરી રજૂઆત કરી હતી કે તેઓ અતિ ગરીબ વર્ગના છે, આ જગ્યા સિવાય તેમની પાસે કોઇ આશરો નથી. રજૂઆત છતાં સરકોર તેમને કોઇ રાહત આપી નથી. બંધારણના અનુચ્છેદ 19 અને 21 પ્રમાણે રહેઠાણનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે.
જેની સામે સરકારે રજૂઆત કરી હતી કે વૈકલ્પિક આવાસ વ્યવસ્થા માટે સરકારે નક્કી કરેલા ધારાધોરણમાં અરજદારોનો સમાવેશ થતો નથી. આ ઉપરાંત આવી જમીનો પર કબ્જો ધરાવનારા લોકોને 1999માં આઇ-કાર્ડ આપવામાં આવ્યા હતા તે કાર્ડ પણ અરજદારો પાસે નથી. તમામ પક્ષોની રજૂઆત સાંભળી કોર્ટે નોંધ્યું છે કે દરેક વર્ગના નાગરિકને રહેઠાણનો અધિકાર છે પરંતુ તેનો મતલબ એ નથી કે જાહેર જગ્યા પર કોઇ બાંધકામ કરી તેનો ઉપયોગ કરવા લાગે.
આ ઉપરાંત અરજદારો વૈકલ્પિક વ્યસ્થાના ધારાધોરણમાં પણ ન બંધબેસતા હોવાથી તેમને કોઇ રાહત આપી શકાય તેમ નથી. જો કે અરજદારો જેવા લાખો લોકો બેધર છે. ઠંડી હોય ગરમી હોય કે વરસાદ, આકાશ જ તેમની છત છે અને જીવનભર તેઓ આવી પરિસ્થિતિમાં રહે છે. આવાં લોકોને પણ આવાસ મળી રહે તેવી કોઇ કામગરી કરવી જરૃરી છે.
કોર્ટે નોંધ્યું છે કે સરકાર દ્વારા જરૃરિયાતમંદોને મકાન બાંધી તૈયાર મકાન આપવામાં આવે છે, પરંતુ અરજદાર જેવા લોકોને જમીન જોઇએ છે. આ જમીન પર તેઓ પોતાની રીતે બાંધકામ કરી રહેવા માગે છે. તેથી સરકારે આવી રીતે ગરીબોને જમીન આપવા તેમજ મકાન ભાડે આપવા માટે હાઉસિંગ નીતિમાં ફેરફાર કરવા જોઇએ.
(સંકેત)