Site icon Revoi.in

ગુજરાતમાં ગરમી વધવાની આગાહી, કેટલાક વિસ્તારોમાં 40 ડિગ્રીને આંબશે પારો

Social Share

અમદાવાદ: ગુજરાતમાં ધીરે ધીરે ગરમીનો પારો વધી રહ્યો છે અને હવે ગુજરાતીઓએ વધુ ગરમી માટે તૈયાર રહેવું પડશે. કારણ કે, હવામાન વિભાગ અનુસાર, રાજ્યના અનેક વિસ્તારમાં 13 માર્ચથી ગરમી 40 ડિગ્રીને પાર થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારથી જ 14 શહેરનો પારો 35 ડિગ્રીને આંબી ગયો છે. ત્યારે રવિવારે અમદાવાદમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

નોંધનીય છે કે, રવિવારે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 37.5 અને જ્યારે રાતે સરેરાશ લઘુતમ તાપમાન 19.7 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં આગામી ચાર દિવસ 38 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. પરંતુ 13 માર્ચથી ગરમીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તાપમાન 40 ડિગ્રીએ પણ પહોંચી શકે છે. રવિવાર દરમિયાન 37.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર-અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આ સિવાય રાજ્યમાંથી અન્યત્ર રાજકોટમાં 37.6, ગાંધીનગરમાં 36.8, વલ્લભ વિદ્યાનગરમાં 36.7, વડોદરામાં 36.6, ડીસામાં 36.4, સુરતમાં 35.5, કેશોદ-ભાવનગરમાં 35.2, ભૂજમાં 35, દીવમાં 32.3, વલસાડમાં 34.5 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) માર્ચ મહિનામાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે ત્રણ માર્ચથી ગરમી વધશે. સાત માર્ચથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38-39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડવાની શક્યતા છે. આ ઉપરાંત 15મી માર્ચથી અંગ દઝાડતી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

(સંકેત)