Site icon Revoi.in

આવતીકાલે ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે, આ રીતે કરી શકો છો ચેક

Social Share

નવી દિલ્હી: ગુજરાતના ધો-12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે એટલે કે 17 જુલાઇના રોજ ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ સવારે 8 વાગ્યે મુકવામાં આવશે. આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા તમામ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન આપેલી પરીક્ષાઓ તેમજ ધોરણ 11ની પરીક્ષાના આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.

આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે કે , રાજ્ય સરકારે ધો .12 વિજ્ઞાન પ્રવાહના વર્ષ 2021 ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગના તા : -19/06/2021 ના ઠરાવ ક્રમાંક : -મશબ / 1221 / 741 /6 થી નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરેલ હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના જાહેર કરેલ નીતિ અનુસારના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરેલા હતા. જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓની પરિણામ તૈયાર કરવામાં આવેલ છે.

બોર્ડની વેબસાઇટ પર પરિણામ થશે જાહેર

બોર્ડની વેબસાઇટ result.gseb.org પર આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરિણામ જાહેર થશે. આવતીકાલે સવારે 8 કલાકે પરિણામ જાહેર કરાશે. શાળાઓ તેઓની શાળાનું પરિણામ શાળાના ઇન્ડેક્સ નંબર તેમજ પાસવર્ડ મારફતે લોગીન કરીને ડાઉનલોડ કરી શકશે તથા જોઇ શકશે.