Site icon Revoi.in

કેન્દ્ર સરકારની NPS યોજના હેઠળ રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં ફેમિલીને પેન્શન આપવા શૈક્ષિક સંઘની રજૂઆત

Social Share

નવી દિલ્હી: ભારત સરકાર દ્વારા વર્ષ 2005 કે ત્યારબાદ નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને નવ વર્ધિત પેન્શન યોજના શરૂ કરાઇ છે. ભારત સરકારના NPS હેઠળના તમામ કર્મચારીઓને ચાલુ નોકરીએ મૃત્યુના કિસ્સામાં ફેમીલી પેન્શન યોજનાનો લાભ મળે છે. જો કે ગુજરાત સરકારની હાલની જોગવાઇ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓને આ ફેમિલી પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર નથી. નવી પેન્શન યોજના (NPS) માં સમાવિષ્ટ અધ્યાપકો સહીત રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં કેન્દ્રના ધોરણે ફેમીલી પેન્શન આપવા શૈક્ષિક સંઘે રાજ્ય સરકારના રજૂઆત કરી છે.

NPS યોજનામાં સમાવિષ્ટ કર્મચારીઓના કિસ્સામાં જ્યારે નોકરી દરમિયાન કર્મચારીનું અવસાન થાય ત્યારે મૃતક કર્મચારીના પરિવારને પારાવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ પરિવારની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ કફોડી થઇ જાય છે. આ સ્થિતિમાં મૃતક કર્મચારીના પરિવારજનોને આર્થિક સહાયતા મળી રહે તે માટે રાજ્ય સરકાર પણ કેન્દ્ર સરકારની NPSની જોગવાઇને લાગૂ કરે તે આવશ્યક બની રહે છે.

ભારત સરકાર દ્વારા NPS હેઠળ આવરી લેવાયેલ સેન્ટ્રલ સિવિલ સર્વિસીઝના કર્મચારીઓને અને ત્યારબાદ સંદર્ભ ક્રમાંક-2 અનુસાર તમામ કેન્દ્રીય કર્મચારીઓને અસક્ષમતા પેન્શન અને નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં ફેમિલી પેન્શન આપવાનું ઠરાવવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલાય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, NPS માત્ર સામાન્ય સેવા નિવૃત્તિ પેન્શન અને નિવૃત્તિ બાદ મૃત્યુના કિસ્સામાં ફેમિલી પેન્શનના બદલે લાગૂ કરવામાં આવી છે અને તેનાથી કર્મચારીના અન્ય હક્કો જેમ કે ચાલુ નોકરીએ અવસાન બાદ ફેમિલીને પેન્શન, ગ્રેચ્યુઇટી, રજાનું રોકડમાં રૂપાંતર વગેરે લાભોને કોઇ અસર થતી નથી.

તાજેતરમાં કોરોનાના પ્રકોપને કારણે NPSમાં સમાવિષ્ટ કેટલાક અધ્યાપકો સહિત ઘણા કર્મચારીઓના નાની ઉંમરમાં અવસાન પામ્યા છે. આવા કિસ્સામાં કર્મચારીના પરિવાર માટે આર્થિક અનિશ્વિતતા અને અસહાયતાની કપરી સ્થિતિ ઉભી થતી હોય છે.

આથી ઉપરોક્ત સંદર્ભ અનુસાર નવ વર્ધિત પેન્શન યોજના અંતર્ગત સમાવિષ્ટ અધ્યાપકો સહિત રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં ફેમિલી પેન્શન મળવું જોઇએ એવી GUSSની લાગણી અને માંગણી છે.

આથી ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ (GUSS) દ્વારા નવ વર્ધિત પેન્શન યોજના અંતર્ગત સમાવિષ્ટ અધ્યાપકો સહિત રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં ફેમિલી પેન્શન મળે તે હેતુસર રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.