- બિન સરકારી અનુદાનિત કોલેજોમાં પગાર મોડો થવા બાબત
- ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં અનિયમિત પગારથી કર્મચારીઓને આર્થિક સમસ્યા થાય છે
- ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે નિયમિત પગાર માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરને કરી અપીલ
અમદાવાદ: રાજ્યની વિવિધ યુનિવર્સિટી સંલગ્ન બિન સરકારી અનુદાનિત કોલેજો કે જે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી હસ્તક આવે છે, તેમાં કાર્યરત શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારીઓના પગાર સામાન્યપણે 1 થી 5 તારીખ સુધીમાં થઇ જતા હોય છે જેને ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ આવકારે છે પરંતુ છેલ્લા 1-2 વર્ષોથી ફેબ્રુઆરી, માર્ચ કે એપ્રિલ દરમિયાન પગાર મોડો થાય છે જેને લઇને કર્મચારીઓ આ દરમિયાન મુશ્કેલીમાં મુકાય છે.
છેલ્લા 1-2 વર્ષની જેમ આ વર્ષે પણ જાન્યુઆરી પેઇડ ઇન ફેબ્રુઆરીનો પગાર આજે અડધો મહિનો વીતવા છતાં થયો નથી. તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ગ્રાન્ટની ફાળવણીના અભાવે આવું થાય છે. સરકારના અન્ય કોઇ વિભાગમાં આવી પરિસ્થિતિ નથી.
રાજ્યભરમાં આવેલ 72 સરકારી કોલેજોના કર્મચારીઓને પણ ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં પગાર મળી ગયેલ છે. માત્ર ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી હસ્તકની 357 બિન સરકારી અનુદાનિત કોલેજો તેમજ 15 ગ્રામ વિદ્યાપીઠોના શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારીઓ જ ગ્રાન્ટના અભાવે પગારથી વંચિત છે. આ રીતે પગારમાં અનિયમિતતાથી હોમ લોન, વ્હીકલ લોન કે શૈક્ષણિક લોન લેનારા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે સામાન્યપણે બધા ECS પેમેન્ટ 10 તારીખ કે તેની આસપાસ આવતા હોય છે.
ખાસ કરીને ફિક્સ પગાર મેળવનારા અધ્યાપક સહાયક તેમજ ખંડ સમયના અધ્યાપક તથા વહીવટી સ્ટાફ અને વર્ગ-4ના કર્મચારીઓ માટે તો આના કારણે હાલત વધુ કફોડી થતી હોય છે. હવે અહીં પ્રશ્નાર્થ એ સર્જાય છે કે જો ગ્રાન્ટના અભાવે જ આવું થતું હોય તો દર મહિને થતો પગાર એ તો પૂર્વનિર્ધારિત ખર્ચ જ છે તો તેનું આગોતરું આયોજન ના થઇ શકે?
આમ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી હસ્તકની 357 બિન સરકારી અનુદાનિત કોલેજો તેમજ 15 ગ્રામ વિદ્યાપીઠોના શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારીઓને દર વર્ષે નિયમિત પગાર થાય અને ભવિષ્યમાં આ પ્રકારની ફરી સમસ્યા ના સર્જાય તે માટેની યોગ્ય વ્યવસ્થા કરવા માટે ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે ઉચ્ચ શિક્ષણ કમિશનરને અપીલ કરી છે.
(સંકેત)