Site icon Revoi.in

ઓનલાઈન પરીક્ષાઓને કારણે વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે જીયુએસએસની કુલપતિશ્રીને રજૂઆત

Social Share

અમદાવાદ: કોરોના મહામારીની વિભિષિકા વચ્ચે પણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના નેતૃત્વ હેઠળ ગુજરાત યુનિવર્સિટીની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની અંતિમ સેમેસ્ટર્સની પરીક્ષાઓ યુનિવર્સિટી વિસ્તાર ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લા કેન્દ્રો ઉપર સુચારુ રીતે સંપન્ન કરાઈ તે માટે ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે કુલપતિશ્રીને અભિનંદન પાઠવ્યા હતા તેમજ આ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પો આપવામાં આવે તેવી ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ (જીયુએસએસ) ની માંગણી યુનિવર્સિટી દ્વારા સ્વીકારવામાં આવી હતી તે માટે પણ GUSSએ કુલપતિનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પો સાથે સૌ પ્રથમવાર પરીક્ષાઓ યોજવામાં આવી હતી. આ ઉપક્રમ સફળ રહ્યો હોવા છતાં તેમાં ઘણી ક્ષતિઓ ધ્યાનમાં આવી છે. જેમ કે ઓનલાઈન પરીક્ષાઓમાં પારદર્શિતાનો મોટો પ્રશ્ન ઉદભવે છે. ઓનલાઈન પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પૈકી ખુબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ૧૦૦% ગુણ મેળવ્યા છે જે આપણી યુનિવર્સિટીના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે અને તેથી જ આ બાબત ગંભીરતાથી વિચારણીય છે. ઓનલાઈન પરીક્ષામાં ૧૦૦% ગુણ મેળવનારા વિદ્યાર્થીઓને કારણે ઓફલાઈન પરીક્ષા આપીને   ઉંચી ટકાવારી પ્રાપ્ત કરનારા અનેક વિદ્યાર્થીઓ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશથી વંચિત રહી જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. આ ચિંતાનો વિષય છે કેમ કે આનાથી ઓફલાઈન પરીક્ષા આપનારા હજારો વિદ્યાર્થીઓને અન્યાય થયો છે.

આવી અનેક વિસંગતતાઓને કારણે ઓફલાઈન પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે જોવું જરૂરી છે. આ સંદર્ભે ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ ની ગઈકાલે મળેલ કારોબારી મીટીંગમાં ચર્ચાયા મુજબ પરીક્ષાની શુદ્ધતા અને પારદર્શિતા જળવાય તે માટે જીયુએસએસએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રીને નીચે મુજબના સૂચનો કર્યા હતા.

૧) ઓનલાઈન અને ઓફલાઈન એ બંને વિકલ્પોમાં પ્રશ્નપત્રોનું માળખું, પ્રશ્નોની સંખ્યા, ગુણભાર અને મુલ્યાંકન પદ્ધતિ એકસમાન રાખવામાં આવે અને ઓનલાઈનની જેમ ઓફલાઈન પરીક્ષાઓમાં પણ એમસીક્યુ સાથેની ઓએમઆર શીટ નો જ ઉપયોગ કરવામાં આવે જેથી મૂલ્યાંકનમાં કોઈ ભેદભાવનો પ્રશ્ન ના રહે.

૨) જો સમગ્ર પ્રશ્નપત્ર એમસીક્યુ આધારિત જ હોય તો બધા જ એમસીક્યુ ફરજીયાત રાખવા અને પ્રશ્નોના વિકલ્પો આપવા નહીં કારણ કે દરેક એમસીક્યુ માં તો વિકલ્પ હોય જ છે. જો વિદ્યાર્થીઓને પ્રશ્નબેંક પૂરી પાડી શકાય તો એ ખુબ જ આવકારદાયક પગલું ગણાશે.

૩) ઓનલાઈન પરીક્ષા માટે એમસીક્યુ આધારિત પ્રશ્નપત્રમાં એક પ્રશ્ન માટે એકથી દોઢ મિનિટની સમયમર્યાદા રાખવી અને પ્રશ્નોના તથા તેના વિકલ્પના નંબર એક સમાન ક્રમને બદલે અનિયમિત (રેન્ડમ) ક્રમમાં રાખવા જેથી સંભવિત ગેરરીતી ટાળી શકાય.

૪) પોતાના વ્યક્તિગત પીસી, લેપટોપ, ટેબ્લેટ કે મોબાઈલથી ઓનલાઈન પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે  ડિવાઇસનો કેમેરા ચાલુ રાખવાનું ફરજીયાત કરવામાં આવે.

૫) ઓનલાઈન પરીક્ષાઓ માટે સીસીટીવી યુક્ત કેન્દ્રો નિયત કરવામાં આવે અને પરીક્ષા કેન્દ્રોમાં ફાળવવામાં આવેલી બેઠક ઉપરથી જ વિદ્યાર્થી પરીક્ષા આપે તે સુનિશ્ચિત કરવામાં આવે.

૬) હોસ્ટેલ/પી.જી. બંધ છે તેવા સંજોગોમાં બહારગામના વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન રહેવાની મુશ્કેલી ના પડે તે માટે અગાઉની જેમ આ વખતે પણ વિવિધ જીલ્લા કેન્દ્રો પર પરીક્ષાના કેન્દ્ર ફાળવવામાં આવે જેથી અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓનું ભારણ ઓછું રહે અને વધુ સંક્રમણથી બચી શકાય.

યુનિવર્સિટી પરીક્ષાઓના સુચારુ સંચાલન માટે તથા વિદ્યાર્થીઓ અને પરીક્ષા કામગીરી સાથે સંકળાયેલ સૌ કર્મચારીઓના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ દ્વારા ઉપરોક્ત માંગણીઓ સંદર્ભે ગંભીરતાથી વિચારીને યુનિવર્સિટી દ્વારા તેનું અમલીકરણ થાય તેવી કુલપતિશ્રીને માંગણી કરવામાં આવી હતી.

(સંકેત)