Site icon Revoi.in

મતદાનના તરતના બીજા દિવસે મતદાન કર્મીઓને “ઓન ડ્યુટી” ગણવા GUSSએ રાજ્ય ચૂંટણી કમિશનરને કરી અપીલ

Social Share

અમદાવાદ: રાજ્યમાં આગામી તા. 21 અને 28 ફેબ્રુઆરી, 2021 ના રોજ ગુજરાતમાં મહાનગર પાલિકા, નગર પાલિકા, જીલ્લા તથા તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણીમાં રાજ્યની યુનિવર્સિટી, કોલેજોના અધ્યાપકો, આચાર્યો, તથા વહીવટી કર્મચારીઓની માસ્ટર ટ્રેઈનર, સેક્શન/ઝોનલ ઓફિસર, પ્રિસાઈડિંગ/આસીસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર તથા પોલીંગ સ્ટાફ તરીકે ફરજો બજાવવા માટે નિમણુક થયેલ છે.

ચૂંટણી દરમિયાન રોકાયેલ તમામ સ્ટાફ મતદાનના આગલા દિવસે સવારે 8 વાગ્યાથી પોતાની ફરજો બજાવવા માટે નિયત સ્થળે હાજર થઇ જતો હોય છે તથા મતદાનના દિવસે ચૂંટણીની સામગ્રી અને સાહિત્ય રીસીવિંગ સેન્ટર પર જમા કરાવીને રાત્રે ખુબ મોડા છુટા થઇ અડધી રાત્રે અને જો અંતર વધુ હોય તો બીજા દિવસની વહેલી પરોઢે ઘરે પહોંચતા હોય છે જેથી તેઓ મતદાનના તરતના બીજા દિવસે પોતાની સામાન્ય ફરજ ઉપર પહોંચી શકતા નથી.

તે ઉપરાંત મતદાનના દિવસે સવારે 6 વાગ્યે મોકપોલ કરવા માટે વહેલી સવારથી કામે લાગેલ સ્ટાફ મોડી રાત્રે છૂટો થવાથી સળંગ 15-16 કલાક માટે કાર્યરત રહે છે. આમ ચૂંટણીની અતિ વ્યસ્ત કામગીરીથી મતદાન કર્મીઓ શારીરિક-માનસિક થાક અનુભવે છે.

ચૂંટણીની કામગીરી દરમિયાન મતદાન કર્મીઓ વ્યસ્તતાને કારણે શારીરિક-માનસિક થાક અનુભવે ત્યારે તેઓને પુરતો આરામ મળી રહે અને તેઓ શારીરિક-માનસિક સ્વસ્થ રહે તે હેતુસર તેઓને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2017ની માફક મતદાનના તરતના બીજા દિવસે “ઓન ડયુટી” ગણીને સામાન્ય ફરજના સ્થળે જવામાંથી મુક્તિ આપતા આદેશો આપવામાં આવે તેવી ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે માનનીય રાજ્ય ચૂંટણી કમિશનરને અપીલ કરી છે.

(સંકેત)