Site icon Revoi.in

કોરોના સંક્રમણને નાથવા AMCનો નિર્ણય, હવે અમદાવાદમાં હેર સલૂનની દુકાનો અનિશ્વિત સમય માટે રહેશે બંધ

Social Share

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના સંક્રમણની વકરેલી સ્થિતિને હવે અંકુશમાં લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ એક આકરો નિર્ણય લીધો છે. થોડા દિવસ પહેલા પાનના ગલ્લાઓ તેમજ ચાની લારીઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ AMC દ્વારા હવે શહેરમાં હેર કટિંગ સલૂન બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવો આદેશ ના આવે ત્યાં સુધી અમદાવાદમાં હેર કટિંગ સલૂન બંધ રહેશે.

AMCના આદેશ બાદ આજ સવારથી જ શહેરના તમામ ઝોનમાં સ્થિત હેર સલૂનને બંધ કરાવવામાં આવી રહ્યા છે. AMCનું માનવું છે કે, હેર સલૂનમાં લોકો ભીડ ભેગી કરી રહ્યા છે અને અહીંયા તેઓ કામ વગર બેસે છે. તેને કારણે કોરોના સંક્રમણનો ફેલાવો થવાની શક્યતા રહેલી છે.

AMC દ્વારા શહેરના તમામ પાનના ગલ્લા તેમજ ચાની લારીઓ પણ બંધ કરાવી દેવામાં આવી છે. મ્યુનિ.એ 2 હજાર જેટલા પાનના ગલ્લા તેમજ 1500 જેટલી ચાની કિટલીઓ બંધ કરાવી હતી.

નોંધનીય છે કે, અમદાવાદમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ ક્યાં સુધી બંધ રહેશે એ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ બંધ રાખવા વેપારીઓને સૂચના આપી છે, પરંતુ પાન ગલ્લાના એસોસિયેશનની જાહેરાત બાદ પણ કોઈપણ ગલ્લા બંધ ન રહેતાં AMCએ કડક પગલાં લીધાં હોવાની વાત છે.

(સંકેત)