‘હિન્દુ જાગરણ મંચ’નો AMCને સવાલ: BU વગરની 3000 મિલકતો સીલ તો ‘વર્ષા ફ્લેટ’ કેમ નહીં?
- AMCએ BU પરમિશન વગરની 3000 મિલકતો સીલ કરી
- પરંતુ BU પરમિશન વગરની ‘વર્ષા ફ્લેટ’ બિલ્ડીંગ સામે AMCએ કોઇ કાર્યવાહી ના કરી
- AMCની આ પ્રકારની દોગલી નીતિને લઇને ‘હિન્દુ જાગરણ મંચ’એ કર્યા દેખાવો
અમદાવાદ: અમદાવાદના અનેક વિસ્તારોમાં એવી મિલકતો છે જે BU પરમિશન વગર ચાલી રહી છે. જો કે થોડાક સમય પહેલા હાઇકોર્ટે આ પ્રકારની મિલકતો સામે કડક કાર્યવાહી કરવા માટે કોર્પોરેશનને તીખી ટકોર કરી હતી અને કોર્ટના આદેશ બાદ AMC હરકતમાં આવી હતી.
AMC એક્શનમાં આવતા AMCના એસ્ટેટ વિભાગે નવરંગપુરા, મોટેરા, રાણીપ, ઓઢવ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં આવેલી BU પરમિશન વગરની અંદાજે 3000 મિલકતોને સીલ કરી હતી. જો કે BU પરમિશન વગરની જ પાલડી સ્થિત ‘વર્ષા ફ્લેટ’ બિલ્ડીંગમાં હજુ સુધી કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.
BU પરમિશન વગરની ‘વર્ષા ફ્લેટ’ના મોટા ભાગના રહેવાસીઓ મુખ્યત્વે મુસ્લિમ સમાજના છે અને આ જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિયત પર પ્રશ્નો ઉભા થયા છે કે શું કાયદો માત્ર હિન્દુ સમાજ પર જ લાગૂ થાય છે? શું મુસ્લિમ સમાજને કાયદો લાગૂ નથી પડતો?
‘વર્ષા ફ્લેટ’ ના A, C, D ટાવર પાસે BU પરમિશન ન હોવા છતાં ત્યાં 40 જેટલા પરિવારો ગેરકાયદેસર રીતે નિવાસ કરે છે. આમાના 34 રહેવાસી પરિવારોના દસ્તાવેજ પણ રદ્દ કરવામાં આવી ચૂક્યા છે અને તેઓની વિરુદ્વ FIR પર દાખલ કરવામાં આવી છે તેમ છતાં AMC આંખ આડા કાન કરી રહી હોય અને માત્ર મૂકપ્રેક્ષક બની રહીને AMCએ આ રહેવાસીઓ વિરુદ્વ હાલ સુધી કોઇપણ જાતની કાર્યવાહી નથી કરી.
‘હિન્દુ જાગરણ મંચ’ છેલ્લા કેટલાક સમયથી AMCની આ પ્રકારની દોગલી નીતિથી નારાજ છે અને AMCની આ જ દોગલી નીતિ અને કાયદાના ઉલ્લંઘનને લઇને ‘હિન્દુ જાગરણ મંચ’ના કાર્યકર્તાઓ દ્વારા દિપાવલી સોસાયટી પાસે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
AMCની ‘વર્ષા ફ્લેટ’ના રહેવાસી પ્રત્યેની દોગલી નીતિ બાદ હિન્દુ જાગરણ મંચના પ્રશ્નો છે કે, શું વર્ષા ફ્લેટના રહેવાસીઓને કોઇ કાયદા લાગૂ નથી પડતા? શું AMCની નીતિ મુસ્લિમ તુષ્ટિકરણની નથી?
નોંધનીય છે કે, AMCના પૂર્વ મેયર બિજલ પટેલના કાર્યકાળમાં બીયુ વગર જ ફ્લેટમાં લોકો રહેવા આવી ગયા હતા. જેનો હિન્દુ જાગરણ મંચ સહિતના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જોકે સરકારના વિવિધ વિભાગમાં અનેક રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઇ નિરાકરણ ના આવતા મંચે આ મુદ્દે દેખાવો કરવાની ફરજ પડી હતી.