લવજેહાદને લઇને રાજ્ય સરકારનું સ્પષ્ટ વલણ, ગૃહપ્રધાને કહ્યું – સખત સજાની જોગવાઇનો કાયદો રાજ્ય સરકાર લાવશે
- ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ ચૂક્યું છે
- લવજેહાદને લઇને રાજ્ય સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
- કહ્યું – સખત સજાની જોગવાઇનો કાયદો રાજ્ય સરકાર લાવશે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ ચૂક્યું છે. આ સત્રમાં રાજ્ય સરકાર કયા કયા મુદ્દાઓ પર વાત કરશે તે અંગે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે, વર્તમાન બજેટ સત્રમાં લવજેહાદના શેતાનને નાથવા ધર્મ સ્વાતંત્રતા સુધારા વિધેયક રજૂ કરીને સખ્ત સજાની જોગવાઇ કરતો કાયદો લાવવામાં આવશે.
ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, લવજેહાદના નામે હિંદુ નામ ધારણ કરી દીકરીઓ અને બહેનોને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તનના ઇરાદાથી કરાતા આંતર ધર્મિય લગ્નો કે બળજબરીથી કરાતા લગ્નો અટકાવવા સખત સજાની જોગવાઇ કરાતો કાયદો રાજ્ય સરકાર લાવશે. આ માટે ધર્મ સ્વાતંત્રતાના કાયદામાં સુધારો કરીને લવજેહાદની વધતી જતી પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા કાયદામાં કડક જોગવાઇઓ સામેલ કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, ટસત્રના કુલ બાવીસ કામકાજના દિવસો રહેશે. વિધાનસભાગૃહના ચાર દિવસ બે બેઠકો રહેશે અને માર્ચ મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે પણ વિધાનસભા ગૃહ કામ કરશે. રાજ્યપાલના સંબોધન માટેના આભાર પ્રસ્તાવ પર ત્રણ બેઠકોમાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા માટે ચાર બેઠકોમાં જુદા જુદા વિભાગોની માંગણીઓ પર ચર્ચા માટે બાર બેઠકોમાં તથા સરકારી અને બિન – સરકારી કામકાજ માટે પુરતા સમયની ગુહમાં ચર્ચા હાથ ધરાશે.’
(સંકેત)