Site icon Revoi.in

ઉનાઇમાં 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતો ગરમ પાણીનો ઝરો મળ્યો

Social Share

અમદાવાદ: પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના સેન્ટર ફોર એક્સલેન્સ ફોર જીયોથર્મલ એનર્જીના રિસર્ચરોની ટીમે એક દાવો કર્યો છે. તેમણે ઉનાઇમાં સૌથી વધુ ગરમ રહેતા પાણીનો ઝરો શોધ્યો હોવાનો દાવો કર્યો છે. ઉનાઇ નવસારીથી 56 કિલોમીટરના અંતરે આવેલું છે. ઉનાઇના આ ઝરાનું સરેરાશ કુદરતી તાપમાન 70 ડિગ્રી સેલ્સિઅસ છે અને જીયોથર્મલ એનર્જી ઉત્પાદિત કરવાની ક્ષમતાસભર સાઇટ બની શકે છે, તેમ ટીમનું કહેવું છે.

CEGE અનુસાર સેન્ટર વધુ તપાસ માટે આ સ્થળે 500 મીટરની ઊંડાઇનો કુવો ખોદવાની તૈયારી કરી રહ્યું છે. આ જે ઝરો મળ્યો છે તે ધોલેરામાં જે છે તેના કરતાં પણ ગરમ છે. આ પરિણામ ખૂબ જ ઉપયોગી છે કારણ કે આ પ્રકારની જીયોથર્મલ સંપત્તિ વિદ્યુત ઉત્પાદનમાં ઉપયોગી થઇ શકે છે. ખાસ કરીને ગ્રામ્ય તેમજ અંતરિયાળ વિસ્તારો કે જ્યાં નેશનલ ઇલેક્ટ્રિસિટી ગ્રીડનું કનેક્શન નથી પહોંચી શકતું ત્યાં વીજળી પહોંચાડવામાં મદદ મળી શકે છે.

આ પ્રોજેક્ટ પર કાર્યરત અન્ય રિસર્ચર કીર્તિ યાદવ તેમજ નમ્રતા બિષ્ટે કહ્યું કે, ઉનાઇ ખાતે ફૂડ ડ્રાઇંગ કરી શકાય તેવી કોઇ સંભાવના છે કે નહીં તેની પણ અમે ચકાસણી કરી રહ્યા છીએ. સીઝનલ ધાન્ય, શાક અથવા ફળના 30 કિલોના જથ્થાને સૂકવીને લાંબો સમય સુધી સાચવી શકાય છે. આનાથી ખેડૂતોને ફાયદો થશે.

મહત્વનું છે કે,  CEGE ગુજરાતના જીયોથર્મલ એટલાસ પર કામ કરી રહ્યું છે. રાજ્યમાં અત્યારે ઓળખ પામેલા લગભગ 17 ગરમ પાણીના ઝરા છે. જેમાં લસુન્દ્રા, તુવા, કાવી, તુલસીશ્યામ, લાલપુર વગેરેનો સમાવેશ થાય છે. આ સ્થળોએ અલગ-અલગ ગુણવત્તા અને તાપમાનના ગરમ પાણીના ઝરા છે.

(સંકેત)