Site icon Revoi.in

રાજ્ય સરકારનો નિર્ણય: માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો-કર્મચારીઓને ફાજલનું રક્ષણ અપાશે

Social Share

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો તથા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે શિક્ષકો કે કર્મચારીઓને ફાજલ પડતા નોકરી ગુમાવવાની ચિંતા નહીં રહે, સરકારે ફાજલનું રક્ષણ આપવાનો હિતકારી નિર્ણય લીધો છે.

આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે પછી નવી નિમણૂક પામનાર કોઇપણ અનુદાનિત માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક-કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં.

શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળની સરકારે શિક્ષકો તેમજ કર્મચારીઓના હિતલક્ષી અનેકવિધ નિર્ણયો કર્યા છે. આ શિક્ષકો તથા કર્મચારીઓ દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાનમાં લઇને શિક્ષકોના હિત માટે આ નિર્ણય લેવાયો છે.

શિક્ષણમંત્રી એ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વર્ષ 2011થી કેન્દ્રીયકૃત રીતે મેરીટના આધારે કરવામાં આવે છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા, ટાટ પરીક્ષા, લાયકાત, પગાર ધોરણ તેમજ કામગીરી એક સમાન હોય, આ નિર્ણય કરાયો છે.

અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલ શિક્ષકોને ફાજલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો સતત અસલામતીના ભયના ઓથાર નીચે કામગીરી કરતા હોવાથી તેની સીધી અસર શિક્ષણ કાર્યની ગુણવત્તા પર થતી હોઈ. આ નિર્ણયના પરિણામે શિક્ષણની ગુણવત્તા અને કામગીરી વધુ સુદર્ઢ બનશે.

મંત્રીએ ઉમેર્યું કે, આ નિર્ણયના પરિણામે ખાલી પડતી જગ્યા પર નવેસરથી નિમણૂક કરવાના બદલે ફાજલ શિક્ષકની નિમણૂક કરવામાં આવે તો જગ્યા ભરવાની લાંબી પ્રક્રિયામાંથી બચી શકાશે અને તૈયાર થયેલ અનુભવી શિક્ષકને કામ આપી શકાશે અને શાળાઓને ઝડપથી અનુભવી શિક્ષકો મળશે.

(સંકેત)