Site icon Revoi.in

કોરોનાના બેકાબૂ સંક્રમણ છતાં લોકો બેદરકાર, પોલીસે નિયમો તોડતા લોકો પાસેથી 1 કરોડનો દંડ વસૂલ્યો

Social Share

અમદાવાદ: કોરોનાના બેકાબૂ સંક્રમણ છતાં લોકો હજુ પણ માસ્ક ના પહેરીને બેદરકારીભર્યું વલણ દર્શાવી રહ્યા છે ત્યારે પોલીસે પણ માસ્ક ના પહેરતા લોકો સામે દંડ વસૂલાતની આકરી કાર્યવાહી શરૂ કરી છે.

રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોના વકરી રહ્યો છે અને અન્ય શહેરોમાં પણ કોરોનાની સ્થિતિ વકરી છે ત્યારે દંડ વસૂલાત ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને લોકોને બેસાડીને જવાતાં વાહનો ડીટેન કરવાની પણ કડક કાર્યવાહી શરૂ કરાઇ છે. ગુજરાતમાં એપ્રિલ મહિનાના પ્રથમ ચાર દિવસમાં પોલીસે 1615 નાગરિકોની ધરપકડ કરી હતી, તો, અમદાવાદમાં માસ્ક ન પહેરતા એક જ દિવસમાં 1100થી વધુ નાગરિકોને દંડ ફટકાર્યો છે.

કોરોના વકરતાં પહેલી એપ્રિલથી ગુજરાતમાં પોલીસે માસ્ક ન પહેરવા, સોશિયલ ડીસ્ટન્સ ન જાળવવા સહિતના નિયમોનું પાલન કરાવવા માટે દંડ વસૂલાતની કામગીરી કડક બનાવી છે.

કોરોનાના અટકાવવા માટે નાગરિકોમાં ઉદાસીનતા જોવા મળતા ડીજીપી આશિષ ભાટિયાએ કાયદાની કડક અમલવાની તાકીદ કરી હતી. આ આદેશના પગલે તા. 4 એપ્રિલના દિવસે જ ગુજરાતમાં માસ્ક નહીં પહેરેલા 8309 વ્યક્તિ પાસેથી 82.84 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

જ્યારે, 607 વાહનો ડીટેન કરી 20.66 લાખ વસુલાત કરવામાં આવી છે. એક જ દિવસમાં પોલીસે 1.03 કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો છે. જ્યારે જાહેરનામા ભંગ બદલ 174 લોકો સામે, નિયમ ભંગ માટે 148 લોકો તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કોરોના નિયમ ભંગ કરતાં 316 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

કોરોનાનો રોગચાળો વકરતાં પોલીસે માસ્ક ન પહેરતા નાગરિકો, સોશિયલ ડીસ્ટન્સ નહીં જાળવતાં તેમજ જાહેરમાં થૂંકતા નાગરિકો સામે દંડાત્મક કાર્યવાહી વેગવાન બનાવી છે. ગુજરાત સરકારે કડક કાર્યવાહીના આદેશ આપતાં રાજ્યભરમાં એપ્રિલ મહિનાના આરંભથી જ કડક કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો છે. તા. 1થી 3 એપ્રિલ દરમિયાન રાજ્યમાં કરાયેલી કાર્યવાહીની સરખામણીએ તા. 4 એપ્રિલે બમણી કામગીરી કરાઈ છે.

તા. 1થી 6 એપ્રિલ દરમિયાન જાહેરનામાં ભંગ બંદલ કુલ 896 ગુના નોંધી 1615 લોકો સામે કાર્યવાહી કરાઈ છે. માસ્ક ન પહેરવા બદલ ચાર દિવસમાં 18000 નાગરિકો પાસેથી 1.80 કરોડ રૂપિયાની દંડ વસુલાત કરાઈ છે. જ્યારે, કુલ 1756 વાહનો જપ્ત કરાયાં છે.

(સંકેત)