Site icon Revoi.in

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા તાંત્રિક ચિત્રકાર જલેન્દુ દવેનું નિધન, કલાજગત બન્યું શોકમય

Social Share

વડોદરા: રાષ્ટ્રપતિ એવોર્ડ સહિત સંખ્યાબંધ એવોર્ડથી સન્માનિત અને વડોદરાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા તાંત્રિક ચિત્રકાર જલેન્દુ દવેનું નિધન થયું છે. ગઇ કાલે મોડી રાતે નિધન બાદ વડોદરાના કલાજગતને મોટી ખોટ પડી છે. તેઓ થોડાક દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા.

જલેન્દુ દવેને રાષ્ટ્રપતિ એવોર્ડ ઉપરાંત સંખ્યાબંધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જલેન્દુ દવે તંત્ર-મંત્ર, યોગ અને આધ્યાત્મિક બાબતોના સમન્વય દ્વારા અદ્દભુત તાંત્રિક ચિત્રો રચતા હતા. ગણપતિ ઉત્સવ દરમિયાન ગણપતિના 108 તાંત્રિક ચિત્રો તેમજ નવરાત્રી દરમિયાન માના વિવિધ સ્વરૂપોના તાંત્રિક ચિત્રોથી તેઓ ખૂબજ ખ્યાતનામ બન્યા હતા.

બાજવાડા વિસ્તારમાં રહેતા જલેન્દુ દવેએ સયાજી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને વાડી નારાયણ હાઈસ્કૂલમાં ડ્રોઇંગ ટીચર તરીકે વર્ષો સુધી વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું. તેઓને ગળથૂથીમાંથી આધ્યાત્મિક અને સંગીતનું જ્ઞાન હોવાથી વૈદિક ચિત્રો તેમજ તાંત્રિક ચિત્રોમાં તેઓ માહેર બન્યા હતા. વડોદરા સહિત દેશભરના અનેક શહેરો તેમજ વિદેશમાં પણ તેમના ચિત્ર પ્રદર્શનો યોજાયા હતા.

નોંધનીય છે કે, વડોદરાના જુના ગાયકવાડી સમયના ચાર દરવાજા વિસ્તાર નો સાંસ્કૃતિક અને કલાત્મક વારસો જળવાય તે માટે તેમણે હેરિટેજ વોક પણ શરૂ કરાવી હતી. જલેન્દુભાઇ કોરોના ગ્રસ્ત થતા ગઈ રાત્રે તેમનું મૃત્યુ થયું હતું. જેના કારણે કલાકારો તેમજ વડોદરાવાસીઓ માં શોકની લાગણી વ્યાપી છે.

(સંકેત)