Site icon Revoi.in

દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં મોઢેરાનું સૂર્યમંદિર રાજપથની શોભામાં કરશે અભિવૃદ્વિ

Social Share

અમદાવાદ: પ્રજાસત્તાક દિવસની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્વ મોઢેરાનું સૂર્યમંદિર રાજપથની શોભામાં અભિવૃદ્વિ કરશે. ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયમાં મોઢેરાના સૂર્યમંદિરની આબેહૂબ ઝલક ટેબ્લોમાં ઉજાગર કરવામાં આવી છે. લગભગ 60 જેટલા કલાકારોએ ત્રણ મહિનાની મહેનતથી આ ટેબ્લોને સજાવ્યા છે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાસે મોઢેરામાં પુષ્પાવતી નદીના કિનારે સોલંકી રાજવંશના રાજા ભીમદેવ (પહેલા)એ આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાં 1026-27માં આ સૂર્યમંદિર બંધાવ્યું હતું, જેનું નિર્માણ ઓરિસ્સાના કોણાર્ક સૂર્યમંદિર કરતાં પણ અગાઉ થયું હોવાનું મનાય છે. મરુ-ગુર્જર શૈલીના આ મંદિર પરિસરમાં ગર્ભગૃહ, સભામંડપ અને સૂર્યકુંડ મુખ્ય છે. પથ્થરોમાં જાણે કવિતા કંડારેલી હોય એવા આ સ્થાપત્યના સુપ્રસિદ્ધ સભામંડપમાં વર્ષના ૫2 સપ્તાહના પ્રતિક સમા ૫2 નકશીદાર સ્તંભો છે, જેના પર રામાયણ, મહાભારત અને કૃષ્ણલીલાના દૃશ્યોની કોતરણી છે. ટેબ્લોના મુખ્ય ટ્રેલર ભાગમાં વિશાળ સભામંડપ શોભાયમાન છે જ્યારે ટ્રેક્ટર પાર્ટમાં કીર્તિતોરણ જેવા બે સ્તંભ દર્શાવવામાં આવ્યા છે.

ટેબ્લો વિશે વાત કરીએ તો અગ્રણી શિલ્પકારોએ ફાઇબર કાસ્ટિંગથી સૂર્યમંદિરનું હૂબહુ નિર્માણ કર્યું છે. પથ્થર જેવી પ્રતિકૃતિનું નિર્માણ કરવા માટે ધોલપુર સ્ટોન ટેક્સચરનો કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એલ.ઇ.ડી. ફ્લડ લાઇટ્સથી ટેબ્લો પરનું સૂર્યમંદિર દૈદીપ્યમાન છે.

મોઢેરાના સૂર્યમંદિરના ટેબ્લો સાથે 12 મહિલા કલાકારો ટિપ્પણી નૃત્ય પ્રસ્તુત કરશે. પરંપરાગત જીમી પહેરવેશમાં સજ્જ આ ગુજરાતી બહેનોની ટિપ્પણીના ટાપથી રાજપથ ગાજી ઉઠશે. આ ટિપ્પણી નૃત્ય માટે ખાસ ગીતનું આલેખન કરવામાં આવ્યું છે. “સૂર્યદેવના તેજ છે અદકેરાં, હેંડોને જઇએ સૌ મોઢેરા…” એવા શબ્દોથી સમગ્ર વિશ્વના પ્રવાસીઓને ગુજરાતના મોઢેરા પધારવાનું આહ્‌વાન કરવામાં આવ્યું છે.

(સંકેત)