Site icon Revoi.in

નર્મદા જિલ્લામાં વન મહોત્સવમાં શ્રેષ્ઠ યોગદાન માટે અદાણી ફાઉન્ડેશનને ‘વૃક્ષ મિત્ર’ નો એવોર્ડ એનાયત થયો

Social Share

અમદાવાદ:  મેઘકૃપાથી સદાય તરબતર રહેલા નર્મદા જિલ્લામાં 72માં વન મહોત્સવમાં બાગાયતી અને સામાજિક વનીકરણની કામગીરીમાં શ્રેષ્ઠ યોગદાન માટે અદાણી ફાઉન્ડેશન અને સુપોષણ સંગીનીનીની ટીમને ‘વૃક્ષ મિત્ર’ એવોર્ડ આજે  એનાયત કરવામાં આવ્યો હતો.

રાજ્યના મહિલા અને બાળ વિકાસ પંચના અધ્યક્ષ લીલાબેન આંકોલિયાના હસ્તે જિલ્લા વનીકરણ સમિતિના યજમાનપદે મહાનુભાવોની હાજરીમાં નાંદોદ તાલુકાના જીતનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યો હતો.

અદાણી ફાઉન્ડેશન 2019ના વર્ષથી નર્મદા જિલ્લામાં કુપોષણ નિર્મૂલન સહિત સામાજિક કલ્યાણના કાર્યો કરી રહ્યું છે. આ કાર્યોનો ફાયદો ઇચ્છીત લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ફાઉન્ડેશને જિલ્લાના વિવિધ ગામોની સ્થાનિક 195 જેટલી મહિલાઓને પસંદ કરી અને તેમને તાલીમ આપીને સુપોષણ સંગીની તરીકે તૈયાર કરી છે. નર્મદા જિલ્લાના દરેક ગામમાં હાજર સંગીની બહેન માતાઓ અને કિશોરીઓને પોષણ અને આરોગ્ય વિષે માર્ગદર્શન આપે છે. તેઓ 0-5 વર્ષના બાળકોમાં કુપોષણ નિવારણ માટે આંગણવાડી અને પ્રજાના સહકાર થી કામ કરી રહ્યા છે.

વન મહોત્સવ દરમયાન , સુસપોષણ સંગીનીઓએ બાગાયતી વૃક્ષો અને સામાજિક વનીકરણની સરકારની યોજના હેઠળ લાભાર્થીઓને પસંદ કરવાથી લઇ વૃક્ષારોપણને અનુરુપ  જમીન તથા વાવવામાં આવેલા છોડને પૂરતું પાણી ઉપલબ્ધ બને તેવી પાયાની સંભાળ લેવામાં મહત્વની ભૂમિકા ભજવીને ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. બાગાયતી વૃક્ષોના વાવેતરથી , કુટુંબ સ્તરે પોષણ વધારી શકાય છે.

કુદરતી સંપત્તિના રક્ષણ અને તેની જાળવણી માટે આ વિસ્તારમાં જનજાગૃતિનું કાર્ય પણ સંભાળતી આ સંગીનીઓએ સરગવાના પાન અને સિંગના રસોઈમાં ઉપયોગનું ગામે ગામ નિદર્શન પણ કર્યું હતું. પરિણામે, સરગવાનો વપરાશ વધ્યો છે.

અદાણી ફાઉન્ડેશને આ તમામ સંગીનીઓને આ એવોર્ડને એક પ્રેરક બળ તરીકે સ્વીકારી નર્મદા જિલ્લામાં સમાજ કલ્યાણના કામોમાં વધુ જોમ જુસ્સાથી યોગદાન આપવા અનુરોધ કરી અભિનંદન આપ્યા છે.

ગુજરાતની અન્ય ત્રણ બિન સરકારી સંસ્થાઓની પણ ‘વૃક્ષ મિત્ર ‘એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.