- રાજ્યમાં સતત વધતા કોરોના કેસ વચ્ચે સરકારે લીધો નિર્ણય
- આ વખતે કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહીં કરી શકાય
- લોકો હોળીની ઉજવણી કરવા માટે એકત્ર નહીં થઇ શકે: DGP
અમદાવાદ: દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે આગામી મહિને આવનારી લગ્નની સિઝન તેમજ તહેવારોની ઉજવણી પર બ્રેક લાગે તેવી સંભાવના છે. હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. તે વચ્ચે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ હોળીને લઇને મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે આ વર્ષે કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહીં કરી શકાય. લોકો હોળીની ઉજવણી કરવા માટે એકત્ર નહીં થઇ શકે.
રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે કોરોનાની સ્થિતિ પ્રમાણે નિર્ણય લઇ રહ્યા છે. નાગરિકો બેફિકર થઇને ફરી રહ્યા હોવાથી કેસમાં ઉછાળો આવ્યો છે. દરરોજ 25 લાખ રૂપિયાના માસ્કના દંડ માટેના કેસ પોલીસ કરી રહી છે. તો આ સાથે જ આ વર્ષે ધૂળેટીની ઉજવણી નહીં કરી શકાય. લોકો ઉજવણી કરવા માટે ભેગા નહીં થઇ શકે.
નોંધનીય છે કે વડોદરા પોલીસ ભવનમાં બેન્ડબાજા સાથે ડીજીપી આશિષ ભાટિયાનું સ્વાગત કરાયું હતું. પોલીસ ભવનમાં શી ટીમ માટે કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું તેમના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ તેમણે શી ટીમની મહિલા પોલીસ જવાનોને બૂલેટ બાઇક પણ ફાળવી હતી.
(સંકેત)