Site icon Revoi.in

ગુજરાતના અનેક જીલ્લાઓમાં વાતાવરણ પલટાતા જગતનો તાત ચિંતિત

Social Share

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે અને તેને લીધે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યનાં અમરેલી, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, ડાંગ જીલ્લામાં વાતાવરણ પલટાતા વાદળ છવાઇ ગયા હતા. જેના કારણે જગતના તાત ચિંતાતુર થયા છે. જો વરસાદ પડે તો ખેતરોમાં ઉભા ઘઉંના પાકને નુકસાન જવાની ખેડૂતોમાં ભીતી છવાઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોનાં હિંડરોણા, છતડીયા સહિતના આસપાસના ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો. આ સાથે સાબરકાંઠા જીલ્લામાં મંગળવારની મધરાત બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાયો હતો અને પવનના સુસવાટાએ લોકોના જીવ અદ્વર કરી દીધા હતા.

ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લાના વડું મથક આહવા અને ગિરિમથક સાપુતારા ખાતે વાદળછાયું વાતવરણ છવાયું હતું. વાતાવરણમાં પલટાને લઈને ઠંડા પવનની લહેર છવાતા સામાન્ય માણસને રાહત લાગી હતી પરંતુ ખેડૂતો માટે ચિંતાનો માહોલ બન્યો હતો. જિલ્લાના વડું મથક આહવા ખાતે વરસાદી છાંટા પણ પડયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતાએ આ વર્ષે સારો વરસાદ રહેવાનો અંદાજ લગાવ્યો છે. ચોમાસાના ચાર મહિના જૂન, જુલાઇ, ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની સંભાવના છે. અંદાજ લગાવાયો છે કે એવરેજ વરસાદ 880.6 મિમીની સરખામણીમાં 103 ટકા વરસાદ થઇ શકે છે.

(સંકેત)