- ભરણપોષણના કેસમાં હવે પતિ-પત્નીએ મિલકતનું સોગંદનામુ કરવું પડશે
- પતિઓ ખાધાખોરાકી આપવા માટે આનાકાની કરતા હોવાથી કોર્ટે આ નિર્ણય લીધો
- હવે ભરણપોષણ કે ખાધાખોરાકીના કેસમાં મિલકતની વિગતો આપવી પડશે
સુરત: પ્રવર્તમાન સમયમાં અનેક કારણોને લઇને પતિ-પત્ની વચ્ચે તકરારો વધી રહી છે. જેના કારણે ફેમિલી કોર્ટમાં ઘરેલું હિંસા એટલે કે ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદો વધવાની સાથે સાથે છૂટછેડાના કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. પત્ની દ્વારા પોતાના અને બાળકો માટે ખાધાખોરાકી માગવામાં આવે છે. પરંતુ ઘણા પતિઓ ખાધાખોરાકી આપવા માટે આનાકાની કરતા હોય છે અને બહાના બનાવતા હોય છે. તે માટે હવે કોર્ટે ભરણપોષણની અરજી સાથે પતિ-પત્નીની માલ-મિલકત અંગેનું સોગંધનામુ ફરજીયાત બનાવ્યું છે.
આપને જણાવી દઇએ કે દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે તારીખ 4 નવેમ્બરે રજનીશ વિરુદ્વ નેહાની ક્રિમિનલ અરજી પર બંને પક્ષને તેમની મિલકત અને જવાબદારી અંગે એફિડેવિટ કરવાનો આદેશ કર્યો હતો. બંનેપક્ષ કોર્ટને ગેરમાર્ગે ન દોરે તે માટે કોર્ટે પતિ-પત્ની પાસે સોગંધનામુ દાખલ કરાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશને સુરતની ફેમિલી કોર્ટે ધ્યાનમાં લીધો છે અને કોર્ટે તેનું અનુકરણ કર્યું છે.
નોંધનીય છે કે, સુરત ફેમિલી કોર્ટ દ્વારા પણ હવે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ભરણપોષણ કે ખાધાખોરાકીના કેસમાં મિલકતની વિગતો આપવી પડશે. સુરત ફેમિલી કોર્ટમાં ફાઈલ થયેલી અને ભવિષ્યમાં ફાઈલ થનારી ભરણપોષણની કે ખાધાખોરાકીની અરજી સાથે પતિ અને પત્નીની સંપત્તિની વિગતો રજૂ કરવાની રહેશે. કોર્ટે આ અંગે સત્તાવાર પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેથી કરીને કોઈ પણ પક્ષ દ્વારા ખોટી હકિકતો આપી શકાશે નહીં.
(સંકેત)