ગુજરાતનું ગૌરવ! ICCના મહિલા ટેલેન્ટ કાર્યક્રમમાં એકમાત્ર ગુજરાતી મહિલાની થઇ પસંદગી
- ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત
- ICCના મહિલા ટેલેન્ટ કાર્યક્રમમાં એકમાત્ર ગુજરાતી મહિલાની પસંદગી
- આ કાર્યક્રમમાં ગુજરાતની પત્રકાર હરિની રાણાને મળ્યું સ્થાન
નવી દિલ્હી: દરેક ગુજરાતીના દિલમાં ક્રિકેટ વસે છે. ICC વાર્ષિક સ્તરે ક્રિકેટ સંબંધિત અનેક કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે. આવા જ એક કાર્યક્રમમાં ગુજરાતીની પસંદગી થઇ છે જે ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે. હકીકતમાં, ન્યૂઝ ચેનલમાં એડિટર રહી ચૂકેલી એવી ભારતની બીજી અને ગુજરાતની પહેલી મહિલા હરિની રાણાની ICCના મહિલા ટેલેન્ટ કાર્યક્રમમાં પસંદગી કરવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ICCના આ ટેલેન્ટ કાર્યક્રમને ‘future leaders programme’ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ICCએ 45 દેશમાંથી કુલ 40 મહિલાઓની પસંદગી કરી છે. આ 40 મહિલાઓમાં એક માત્ર મૂળ ગુજરાતી મહિલા પત્રકાર હરિની રાણાની પસંદગી થઇ છે. સ્કૂલના સમયે હરિની રાણાને ક્રિકેટ પ્રત્યે ક્રેઝ હતો જેને જોઇને રામકથાકાર મોરારી બાપુએ બ્રિટનમાં યોજાયેલા વર્ષ 1999ના ક્રિકેટ વર્લ્ડ કપને જોવા તેને મોકલી હતી.
હરિની રાણા વિશે
માસ કોમ્યુનિકેશનની ડિગ્રી હાંસલ કરનાર હરિની રાણા છેલ્લા 13 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે કામ કરે છે. તેઓ સ્પોર્ટ્સ પત્રકાર તરીકે અને મેનેજમેન્ટના સ્તર પર કામ કરે છે. સ્પોર્ટ્સ પત્રકાર તરીકે હરિની રાણા ક્રિકેટ કપ, ટેનિસમાં ઓસ્ટ્રેલિયન ઑપન, વિમ્બલડન ઓપન જેવી મોટી ઇવેન્ટ કવર કરી ચૂકી છે. હાલમાં હરિની રાણા મુંબઇમાં રહે છે. હરિની રાણા મહિલા અને સ્પોર્ટ્સ માટે યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ મુંબઇની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ICCના આ પ્રોગ્રામથી મહિલાઓમાં રહેલી ટેલેન્ટને બહાર લાવશે અને ક્રિકેટ તથા અન્ય રમતોમાં મહત્વની જવાબદારી ભજવી શકે છે. તે માટે ICC આ મહિલાઓ માટે ખાસ પ્લેટફોર્મ તૈયાર કરશે. અને તેમને અલગ-અલગ ફિલ્ડમાં ટ્રેન કરશે.