- અમદાવાદના મોટેરા સ્થિત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું આજે થશે ઉદ્વાટન
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ સ્ટેડિયમનું થશે ઉદ્વાટન
- ઉદ્વાટન દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ, કિરણ રિજ્જુ પણ રહેશે ઉપસ્થિત
અમદાવાદ: અમદાવાદના મોટેરામાં સ્થિત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્વાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, કિરણ રિજ્જુ પણ ઉપસ્થિત રહેશે. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે, બુધવારે, રાષ્ટ્રપતિ કોવિંદ મોટેરા સ્ટેડિયમનું ઉદ્વાટન તથા સરકાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એક્રલેવનું ભૂમિપૂજન પણ કરશે. નોંધનીય છે કે, ગત ફેબ્રુઆરીમાં પીએમ મોદી તેમજ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સંયુક્ત કાર્યક્રમ પણ મોટેરા સ્ટેડિયમમાં જ થયો હતો. જો કે હવે જ્યારે અહીંયા આંતરરાષ્ટ્રીય મેચ રમાવા જઇ રહી છે ત્યારે આજે તેનું ઉદ્વાટન થશે.
અમદાવાદ ખાતે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં આજથી, 24 ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થશે. આ ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે. નવું સ્ટેડિયમ બન્યા બાદ પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાવાની છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી ચોથી ટેસ્ટ મેચ પણ મોટેરા સ્ટેડિયમમાં રમાશે અને તે બાદ બંને ટીમો અહીં પાંચ વન-ડે મેચની શ્રેણી પણ રમશે.
(સંકેત)