Site icon Revoi.in

રાજકોટમાં નિર્માણ પામનારી એઇમ્સમાં 5 હજારથી વધુ લોકો માટે થશે રોજગારી સર્જન, સસ્તામાં મળશે સારવાર

Social Share

રાજકોટ: ગુજરાતની સૌપ્રથમ એઇમ્સ રાજકોટને ફાળવાઇ છે. જેનું ખાતમુહૂર્ત 31 ડિસેમ્બરે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગથી કરશે. 750 બેડની એઇમ્સમાં અનેક વિભાગો તેમજ શૈક્ષણિક કાર્યો શરૂ કરવામાં આવશે. આ અંગે એઇમ્સ હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદિપ સિંહાએ જણાવ્યું હતું કે, સમગ્ર એઇમ્સના સંચાલન માટે 5 હજારથી વધુના સ્ટાફની આવશ્યકતા રહેશે. આ માટે ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે.  રાજકોટ એઇમ્સમાં તબીબી ક્ષેત્રે સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ રોજગારીનું સર્જન થશે.

શ્રમદિપ સિંહાએ વધુમાં ઉમેર્યું હતું કે ભારતની ખ્યાતનામ તબીબી સંસ્થામાં જનરલ ઓપીડીથી લઇને ટ્રોમા સેન્ટર સુધી ઇમરજન્સી કેસને હેન્ડલ કરવામાં આવશે. 200 એકર જગ્યામાં આકાર પામનારી એઇમ્સમાં તબીબી શાખાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા કોલેજ પણ કાર્યરત થશે. બંને શાખામાં તબીબો, પેરા મેડિકલ, લેબ, ફાર્મસી, કિચન, લોન્ડ્રી, મેડિકલ ગેસ સહિતના વિભાગોમાં સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ સ્ટાફની જરૂરિયાત ઉભી થશે. શૈક્ષણિક વિભાગમાં પ્રાધ્યાપકો તેમજ સપોર્ટિંગ સ્ટાફની પણ આવશ્યકતા મોટા પાયે રહેશે.

દર્દીને તમામ પ્રકારની સારવાર રાજકોટ એઈમ્સમાં પૂરી પાડવામાં આવશે. જેમાં 10 રૂપિયામાં નિદાન, બેડનું પ્રતિદિન ભાડું 10 રૂપિયા, 375 રૂપિયામાં 10 દિવસ સુધી બે વ્યક્તિ જમી શકશે. આ હોસ્પિટલમાં 13,000 રૂપિયાના ઈંજેક્શન માત્ર 800 રૂપિયામાં આપવામાં આવશે. જેના કારણે સામાન્ય વ્યક્તિને નજીવા ખર્ચે ઉત્તમ સારવાર મળી રહેશે.

નોંધનીય છે કે રાજકોટમાં એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓના સારવાર માટે બહાર નહીં જવું પડે. અહીં તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહેશે. કોઇપણ ગંભીર રોગના દર્દીઓને રાજકોટ એઇમ્સમાં શ્રેષ્ઠત્તમ સારવાર ઉપલબ્ધ થશે. જેથી અન્ય કોઈ એઈમ્સ કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જવાની જરૂર નહીં પડે.

(સંકેત)