1. Home
  2. ગુજરાતી
  3. વાંચો માનવતાની જ્યોત અંખડિત રાખતા મોરબીના મધર ટેરેસા એવા હસીના બહેન વિશે, જેઓ કોરોના સંક્રમિત મૃતદેહોની નિ:સ્વાર્થભાવે અંતિમવિધિ કરીને માનવધર્મ નિભાવે છે
વાંચો  માનવતાની જ્યોત અંખડિત રાખતા મોરબીના મધર ટેરેસા એવા હસીના બહેન વિશે, જેઓ કોરોના સંક્રમિત મૃતદેહોની નિ:સ્વાર્થભાવે અંતિમવિધિ કરીને માનવધર્મ નિભાવે છે

વાંચો માનવતાની જ્યોત અંખડિત રાખતા મોરબીના મધર ટેરેસા એવા હસીના બહેન વિશે, જેઓ કોરોના સંક્રમિત મૃતદેહોની નિ:સ્વાર્થભાવે અંતિમવિધિ કરીને માનવધર્મ નિભાવે છે

0
Social Share
  • માનવતાની મિસાલ બન્યા મોરબીના હસીના બહેન લાડકા
  • પોતાના જીવનની પરવા કર્યા વગર કોવિડ સંક્રમિત મૃતદેહોની કરે છે અંતિમવિધિ
  • નિ:સ્વાર્થ પણે સેવાકાર્ય કરીને મૃતદેહોને અંતિમવિધિ માટે છેક સુધી કરે છે તૈયાર
  • છેલ્લા 10 વર્ષથી મોરબી સિવિલ હોસ્પિટલમાં પગાર વગર કરે છે સેવા કાર્યો
  • જીવનમાં માનવધર્મના સૂત્રને સાર્થક કરતા હસીના બહેનનું જીવન ખરા અર્થમાં પ્રેરણાદાયક છે
સંકેત. મહેતા

વર્તમાન સમયમાં કોરોનાનો સંકટકાળ ચાલી રહ્યો છે. આ સમયમાં જો આપણા સ્વજનો કે સંબંધીઓ કોરોના સંક્રમિત થાય તો આપણે સાવચેતી કે તકેદારીના ભાગરૂપે આપણે તેમનાથી અંતર જાળવી રાખીએ છીએ અને તેમાં પણ જો કોઇ સ્વજનનું કોરોનાથી મોત થાય તો આપણે તેમની નજીક કે અંતિમ ક્રિયામાં પણ જવાનું વિચારી શકતા નથી. જો કે વચ્ચે પણ પણ એક એવા મહિલા કાર્યકર છે જે જીવતા જાગતી માનવતાની મિસાલ અને સાંપ્રત સમયના મધર ટેરેસા કહી શકાય તેવા છે.

માનવતાની જ્યોત અખંડિત રાખતા આ મહિલા કાર્યકર છે મોરબીના હસીનાબેન લાડકા. જેઓ નિ:સ્વાર્થપણે મોરબીની સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ સમર્પણ સાથે સેવાકાર્ય કરી રહ્યા છે. હસીના બહેન મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોવિડ દરમિયાન મૃત્યુ પામેલા હતભાગીઓની એકદમ નજીક જઇને એક પરિવારજનની જેમ જ પુરા આદર-સન્માન સાથે મૃતદેહની અંતિમવિધી કરે છે.

મોરબીની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા અનેક દિવસોથી મોતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે નાતજાતના બંધનોથી ઉપર ઉઠીને દરિદ્રનારાયણની સેવા માટે સામાજીક કાર્યકર હસીના બહેન હરહંમેશ તત્પર રહીને માનવતાની જ્યોતને દીપાવી છે.

આ રીતે કરે છે સેવાકાર્યો

છેલ્લા 10 વર્ષથી મોરબી સિવિલ હોસ્પિટલમાં એક પણ રૂપિયાનો પગાર લીધા વગર હસીના બહેન લાડકા નિ:સ્વાર્થપણે સેવાકાર્યો કરી રહ્યા છે. અત્યારસુધી તેઓએ 1000 બિનવારસી મૃતદેહો અને કોવિડથી મૃત્યુ પામનારા 350 મૃતદેહોની અગ્નિ સંસ્કાર પહેલાની તમામ વિધિ તેઓએ કરી છે. મૃતદેહોને સ્મશાને લઇ જવા માટે પહેલા તેની સફાઇ કરવી, પેક કરવા, ફૂલહાર કરવા તથા તેનો મોતનો મલાજો જળવાઇ રહે તેની તમામ વિધિ હસીના બહેન જીવનના જોખમે નિ:સ્વાર્થભાવે કરે છે. ત્યારબાદ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કોવિડની ગાઇડલાઇન પ્રમાણે ફાયર બ્રિગેડ દ્વારા થાય છે.

માનવધર્મ સમજીને કરે છે મૃતદેહોની અંતિમ વિધિ માટેની તૈયારી

કાર્યકર હસીના બહેન દરેક કાર્યને માનવધર્મ સમજીને સંપૂર્ણ સમર્પણ સાથે કરે છે. તેઓની દિનચર્યા પણ પ્રેરણાદાયક છે. સવારે માત્ર નમાઝ પઢીને 7 વાગ્યે તેઓ સિવિલ હોસ્પિટલમાં આવી જાય છે અને હાલમાં દરરોજની 15 જેટલી ડેડબોડીની પોતાના સ્વજનની જેમ અંતિમ વિધિ કરે છે. કોવિડથી મૃત્યુ બાદ ડેડબોડીને પેક કરવાની હોય છે ત્યારે તો કોરના સંક્રમણ કે જાતની પરવા કર્યા વગર ડેડબોડીને પેક કરીને તેમજ ફૂલહાર ચડાવીને પરિવારજનોની જેમ પગે લાગીને અંતિમ વિધિ માટે ફાયર બ્રિગેડને સોંપે છે. તેઓ રાત્રે 1.30 વાગ્યે જમવાનું જમે છે અને અને ના મળે તો પણ ચલાવી લે છે.

કોઇપણ ડર વગર કરે છે સેવાકાર્યો

હસીના બહેને સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાથી મૃત્યુ પામેલા 150 જેટલા લોકોની અંતિમવિધિ કરી છે. જેમાં સંક્રમિત મૃતકોના કપડાં બદલવા, ત્યાં આસપાસ સફાઇ કરવી અને કફન પહેરાવી આખેઆખી બોડી પેક કરવી જેવા સેવાકાર્યો તેઓએ ડર વગર કર્યા છે.

હસીના બહેને માનવ ધર્મને જ જીવનમાં પોતાનું સૂત્ર બનાવ્યું છે અને દિવસ ઉપરાંત સિવિલમાં મોડી રાત્રે પણ બોડી પેક કરતા હોય છે. ડેડ બોડીની સૌથી વધુ નજીક રહેતા હોય ત્યારે પોતે સંક્રમિત થયા છે કે નહીં તેના દરેક રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. તેઓએ અત્યારસુધીમાં 350 હતભાગીઓની અંતિમ વિધિ કરી છે.

હસીના બહેને કોવિડથી મૃત્યુ પામતા લોકોને જોઇને દુ:ખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું કે, કોરોનાને કારણે કોઇને કોઇનો આધારસ્તંભ તો કોઇ દિકરા-દિકરીઓ માતા-પિતાની છત્રછાયા ગુમાવી રહ્યા છે. અંતિમ વિધિ કરતી વખતે મારું હૈયું કંપી ઉઠે છે. દરેક ડેડબોડી જોઇને આંખમાંથી ચોધાર અશ્રુ સરી પડ્યાં છે. હવે તો રડી રડીને આંખો સૂઝી ગઇ છે. ખાવાનું પણ ભાવતું નથી. સ્વજનોના હૈયાફાંડ રૂદનને જોઇને ઇશ્વર-અલ્લાહ સમક્ષ એક જ દુઆ માંગું છું કે, હવે તો કોરોના નાબૂદ થાય.

માસ્ક અને PPE કીટ ના પહેરતા હોવા છતાં કોરોના સંક્રમિત ના થયા

મહિલા કાર્યકર હસીના બહેન કોરોના સંક્રમિત દર્દીઓની અંતિમ વિધિ માસ્ક કે પીપીઇ કિટ પહેર્યા વગર કરતા હોવા છતાં આજ સુધી તેઓ કોરોના સંક્રમિત થયા નથી. અત્યારસુધીમાં ત્રણ વખત ટેસ્ટ કરાવ્યો છે પણ રિપોર્ટ નેગેટિવ જ આવ્યો છે.

નોંધનીય છે કે, કોવિડના આ સંકટ કાળમાં જ્યારે સ્વજનોના મૃતદેહો પાસે પરિવાર ખુદ જવા તૈયાર નથી કે જઇ નહીં શકતો ત્યારે સેવાને જ માનવધર્મ માનીને અને માનવતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડતા એવા મહિલા કાર્યકર હસીના બહેનના આ સેવાકાર્યો સમાજના અન્ય લોકો માટે ખરા અર્થમાં પ્રેરણાદાયક છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code