- કોરોનાના ફરી વધતા સંક્રમણ બાદ જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
- જૂનાગઢમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
- મહાશિવરાત્રી પર ભાવિકોની વધુ ભીડ એકઠી ના થાય તે માટે રોપ-વે સેવા 11 માર્ચ સુધી રહેશે બંધ
- જ્યારે સાધુ-સંતો ધાર્મિક પૂજાવિધી કરીને મેળાની પરંપરા જાળવશે
જૂનાગઢ: હાલમાં જ્યારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે ત્યારે સરકાર પણ હવે એક્શનમાં છે. મહાશિવરાત્રિના પર્વ પર મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ એકઠી ન થાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ગીરનાર રોપ-વે સેવાને હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે.
ચાલુ વર્ષે કોરોના કાળને કારણે જૂનાગઢમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે સાધુ-સંતો ધાર્મિક પૂજાવિધી કરીને મેળાની પરંપરા જાળવશે તેવું નક્કી કરાયું છે. આ સમયમાં જૂનાગઢ બહારથી આવતા લોકો મેળાને લઇને મોટી સંખ્યામાં એકત્રિત ન થાય તે માટે આજથી ગિરનાર રોપ-વે 11 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ મહાશિવારાત્રીના પર્વ પર મેળામાં જનતા પર પ્રતિબંધને સનાતન ધર્મ પરિષદના ઉપાધ્યક્ષએ વખોડી કાઢ્યો હતો. જૂનાગઢમાં પરંપરા મુજબ યોજાનાર શિવરાત્રીના મેળાને આ વર્ષે જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે જેને લઇને જેતપુરના નર્સિંગ મંદિરના મહંત આત્માનંદ બાપુએ વખોડી કાઢ્યો હતો. સરકાર દ્વારા આ મૂર્ખ બનાવવાની નીતિ હોય તેવા આક્ષેપો કર્યા હતા.
મહંત આત્માનંદે આક્ષેપ કર્યો હતે કે ચૂંટણીમાં સંક્રમણ ફેલાઇ ગયું પણ શિવરાત્રિના મેળામાં ફેલાઇ જશે તેવી ખોટી વાતો કરી સરકાર અને કલેક્ટર પોતાની જવાબદારીમાંથી છટકવા માંગે છે. આ માટે જ્યારે તંત્ર અન સાધુ સંતોની બેઠક યોજવામાં આવી હતી ત્યારે માત્ર અમુક સંતોને બોલાવી નિર્ણય લેવડાવ્યા અને ત્યાં સુધી કે મીડિયાને પણ આ બેઠકોથી દૂર રાખવામાં આવ્યા હતા.
જૂનાગઢ ભવનાથ મેળાને લઇ મહંત આત્માનંદજીએ હુંકાર કર્યો છે. આત્માનંદજીએ કહ્યું કે ભવનાથ મેળો સરકારના આદેશથી બંધ નહી રહે. આત્માનંદજીએ ભાવિકોને મેળામાં આવવા હુંકાર કર્યો છે. અને આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ પોતાનું ધાર્યું કરે છે.
(સંકેત)