- શિવરાજપુર બીચને બ્લી બીચમાં સ્થાન મળ્યા બાદ હવે તેને ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવાશે
- આ માટે સરકાર દ્વારા ત્યાં અનેકવિધ પ્રોજેક્ટનું ટૂંક સમયમાં કરાશે અમલીકરણ
- આ બીચને દરિયાઇ માર્ગે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો સાથે જોડવા પણ સરકારની વિચારણા
દ્વારકા: દ્વારકા પાસેના શિવરાજપુર બીચને વિશ્વ ફલક પર બ્લુ બીચમાં સ્થાન મળ્યા બાદ હવે આ જગ્યાને ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવવા માટે સરકારે અનેકવિધ પ્રોજેક્ટના અમલીકરણ સાથે કવાયત હાથ ધરી છે. તેના ભાગરૂપે આ બીચને જમીન માર્ગે જ નહીં પરંતુ દરિયાઇ માર્ગે પણ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો સાથે જોડવા માટે વિચારણા કરી રહી છે. શિવરાજપુર બીચને વધુ સુવિધા આપવાના હેતુસર ગુજરાત ટુરિઝમની ટીમ શિવરાજપુર પહોંચી હતી. અહીંયા સર્વે બાદ શિવરાજપુર પહોંચવા બીચ પર જવા માટેના રસ્તાને પહોળો કરવા તેમજ અન્ય બે રસ્તાઓના નવિનીકરણનો નિર્ણય કરાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સરકાર દ્વારા શિવરાજપુર બીચ પર જતા રસ્તાની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલના રોડ 14 મીટર પહોળા કરી પ્રવાસીઓને આવવા-જવાની સુવિધામાં વધારો કરવામાં આવશે. તે સિવાય બીજા બે એપ્રોચ રોડનું પણ આગામી દિવસોમાં નિર્માણ કરવામાં આવશે. તે ઉપરાંત સમગ્ર શિવરાજપુરને જોડતો એક મુખ્ય માર્ગનું પણ નિર્માણ કરવામાં આવશે.
યાત્રાધામ દ્વારકાથી 11 કિમી દૂર સ્થિત શિવરાજપુર બીચ પર આ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી હતી. જેને લઇને ઓખા દ્વારકા હાઇવે અને શિવરાજપુર બીચ વચ્ચેના સાંકડા માર્ગને વધુ પહોળો કરવો પડશે તેવી જરૂરિયાત જણાતા ગુજરાત ટુરિઝમની ટીમ અને દ્વારકાના ઇન્ચાર્જ મામલતદાર દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં હાલના પાક્કા રસ્તાને 14 મીટર પહોળો કરવામાં આવશે તેમ ગુજરાત ટુરિઝમના ડે.એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્યામલ પટેલે જણાવ્યું હતું.
તે ઉપરાંત સરકાર સૌરાષ્ટ્રના અન્ય સ્થળોથી ક્રૂઝ દ્વારા શિવરાજપુર બીચને દરિયાઇ માર્ગે જોડવાનો પ્લાન વિચારી રહી છે.
(સંકેત)