- રાજ્યના વરિષ્ઠ સંત ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ થયા બ્રહ્મલીન
- હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયો છે
- ભારતીજી મહારાજ કોરોના ગ્રસ્ત હતા
અમદાવાદ: રાજ્યના વરિષ્ઠ સંત ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ મધ્યરાતે 2:30 કલાકે નાદુરસ્ત તબિયત હોવાને કારણે બ્રહ્મલીન થયા છે. હાલ સરખેજ ખાતે પાર્થિવ દેહને દર્શનાર્થે રખાયો છે. બાદમાં જુનાગઢ ભવનાથ તળેટી ખાતે ભારતી આશ્રમમાં અંતિમ દર્શન અને અંતિમવિધિ માટે લઇ જવામાં આવશે.
ભારતીજી મહારાજ કોરોના ગ્રસ્ત હતા અને તેઓ તપન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને મોડી રાત્રે 2.24 વાગે ભારતી બાપુએ દેહ છોડ્યો હતો. 93 વર્ષના ભારતીજી મહારાજના નિધનથી આશ્રમના સેવકગણમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શ્રી અવંતિકા ભારતીજી મહારાજ મહામંડલેશ્વર શ્રી વિશ્વંભર ભારતીજી મહારાજના ગુરૂ હતા, જેમની નિશ્રામાં રહીને તેઓએ જ્ઞાન મેળવ્યું હતું. જૂનાગઢ ભારતી આશ્રમની જવાબદારી તેમના શિષ્ય હરિહરાનંદ ભારતીજી સંભાળે છે.
નોંધનીય છે કે, મહામંડલેશ્વર ભારતીબાપુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિકટનો સંબંધ ધરાવતા હતા. તેમજ સમગ્ર ભારતના સાધુ સમાજમાં પણ તેમનુ ખુબ જ નામ હતું. ભવનાથ તમામ સાધુ સમાજના અખાડામાં પણ તેઓ પૂજનીય સંત તરીકે પૂજાતા હતા. છેલ્લે 1 મહિના પહેલા મહાશિવરાત્રી પર્વ ઉપર રાત્રિના નાગા બાવાની રવેળીમાં દર્શન આપ્યા હતા. તેમનો જન્મદિવસ સરખેજ ખાતે ઉજવવામાં આવ્યો હતો.
ભારતીબાપુનો જન્મ અમદાવાદના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં થયો હતો. 4 જાન્યુઆરી 1965ના દિવસે તેમની દિગંબર દીક્ષા કરાઈ હતી. ત્યારબાદ 21 મે 1971ના રોજ અમદાવાદ ખાતે ભારતી આશ્રમની સ્થાપના કરી હતી તેમજ 1992માં મહામંડલેશ્વર બન્યા હતા. ભારતીબાપુએ પુરષોત્તમ લાલજી મહારાજના વ્યસન મુક્તિના સંદેશ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં કામ કર્યું. ભારતીબાપુ શ્રી પંચ દશનામ જૂના અખાડાના અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા.
(સંકેત)