Site icon Revoi.in

ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ વધતા ગૃહમંત્રીએ કરી લાલ આંખ, કહ્યું – સખત પગલાં લઇશું

Social Share

ગાંધીનગર: દેશભરમાં લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગુજરાતના અમદાવાદમાં પણ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક વિધર્મી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. થોડા સમય પહેલા વાસણા વિસ્તારમાં પણ લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ગુજરાતમાં પણ આ પ્રકારના કિસ્સા વધ્યા બાદ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આકરા શબ્દોમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, આવી પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પગલાં લઇશું.

લવજેહાદ અંગે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, લવજેહાદના જે કિસ્સા બની રહ્યા છે, તેમાં આપણી પાસે જે કાયદા છે તેનાથી પૂરતા એક્શન લઇશું. આવું કરવા માટે કોઇ પ્રેરાય નહીં અને અ પ્રમાણેનું કાંઇ કર્યું તો તેના વિરુદ્વ દરેક કાર્યવાહી કરવામાં આવશે. જેના કારણે આ પ્રકારના કિસ્સાઓ પર અંકુશ આવે.

શહેરના વટવા વિસ્તારમાં રહેતી મહિલાને વટવા વિસ્તારમાં રહેતા સરફરાઝ ખાન સાથે દોઢ વર્ષ પહેલાં ઓળખાણ થઈ હતી અને બાદમાં તેને લગ્ન કરવાની લાલચ પણ આપી હતી. સરફરાઝે મહિલાને પ્રેમજાળમાં ફસાવી અને કેફીપીણું પીવડાવી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં અવાનવાર ઘરે આવી બળાત્કાર ગુજારતો હતો. જેનાથી મહિલા ગર્ભવતી થઈ ગઈ હતી. મહિલા પાસેથી તેણે 2.70 લાખ રૂપિયા લીધા હતા. જે પરત આપ્યા ન હતા. મહિલા અન્ય જગ્યાએ રહેવા ગઈ ત્યારે પણ આવીને તેની સાથે શારિરીક સંબંધ બાંધતો હતો.

સરફરાઝે મહિલાને લગ્ન કરી લઈશ એમ કહી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી, બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી મહિલાએ પૈસા પરત માગતા તેણે આપ્યા ન હતા. મહિલાને ગર્ભપાત કરાવવા પણ ધમકી આપતો હતો.

જેથી મહિલાએ આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં સતત વધી રહેલા લવ જેહાદના કિસ્સા બાદ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારે લવ જેહાદ વિરુદ્વ કાયદો ઘડ્યો છે અને અધ્યાદેશ પણ બહાર પાડ્યો છે. હવે દેશના અનેક રાજ્યોમાં ધીરે ધીરે તેની વિરુદ્વ કાયદો ઘડાય તેવી શક્યતા છે.

(સંકેત)