- સમગ્ર રાજ્યમાં હવે કોરોના સંક્રમણ ઘટતા રાત્રી કર્ફ્યૂમાં મળી શકે છૂટછાટ
- હવે તબક્કાવાર રાત્રિ કર્ફ્યૂમાં 31 જાન્યુઆરી બાદ છૂટછાટ મળી શકે છે
- ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપ્યા સંકેત
અમદાવાદ: સમગ્ર રાજ્યમાં હાલ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ છે. જો કે હવે રાજ્ય અને આ ચારેય શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે અને બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નજીક આવી રહી છે. તેથી હવે તબક્કાવાર રાત્રિ કર્ફ્યૂમાં 31 જાન્યુઆરી બાદ છૂટછાટ મળી શકે છે.
રાત્રી કર્ફ્યૂ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અંગે વિચારણા કરાશે. CMની અધ્યક્ષતા હેઠળ મળનારી કમિટી નિર્ણય કરશે. આ પહેલા આજરોજ કેન્દ્ર સરકાર દ્વારા કોરોના અંગેની ગાઇડલાઇન જાહેર કરાઇ છે જેમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. આ ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય સરકાર પણ કેટલીક છૂટછાટો આપી શકે છે.
નોંધનીય છેકે રાત્રી કર્ફ્યૂને લઇને ખાણીપીણીના ધંધાર્થીઓ તેમજ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા અનેક ક્ષેત્રના લોકોએ રાત્રી કર્ફયૂમાં છૂટછાટ આપવાની માંગણી કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સમાં સિનેમા હોલ અને થિયેટર્સમાં 50 ટકા બેઠકની મંજૂરી અગાઉ આપવામાં આવી હતી. હવે તેમાં વધારો કરીને બેઠક ક્ષમતામાં વધારવામાં આવી છે.
આ ઉપરાંત સ્પોર્ટ્સ અને યુથ અફેર્સ મંત્રાલય દ્વારા એસઓપી જાહેર કર્યા બાદ સ્વિમિંગ પૂલ્સ પણ શરૂ થઈ શકે છે. એક્ઝિબિશન હોલ્સ પણ નવી એસઓપી પ્રમાણે ખૂલી શકે છે. હાલમાં રમતવીરો માટે સ્વિમિંગ પૂલ્સ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે સ્વિમિંગ પૂલ્સ તમામ લોકો માટે ખુલશે.
(સંકેત)