Site icon Revoi.in

સુરતમાં CM રૂપાણીએ 115માં બ્રિજનું કર્યું લોકાર્પણ, કહ્યું – અમે લોકોને ઘરનું ઘર આપવા ઠાલા વચનો આપીને છેતર્યા નથી

Social Share

સુરત: આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે છે ત્યારે તેઓએ ત્યાં અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. સુરતા પાલ ઉમરા બ્રિજના લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 90 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજના કારણે 10 લાખ લોકોને રાહત થશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોંગ્રેસ તેમજ આપ પર પણ નિશાન સાધ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમે લોકોને ઘરનું ઘર આપવા ઠાલા વચનો આપીને છેતર્યા નથી. જે બોલ્યા છીએ તે કરીને દેખાડ્યું છે. અમે સહાય ઓછીને મોટી મોટી જાહેરાતો કરી નથી.

તે ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, અમે લોકડાઉન લાદીને લોકોનાં પેટ પર લાત મારવાનું કામ કર્યું નથી. આપત્તિને અવસરમાં બદલીને મેડિકલ ક્ષેત્રમાં અનેક સુધારા કર્યા અને અનેક યોજના લાવ્યા અને લોકોની પડખે અમે સતત ઉભા રહ્યા.

મુખ્યપ્રધાને ડાયમંડ બુર્સની પણ મુલાકાત લીધી હતી. રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે કરી હતી. મુખ્યપ્રધાને અહીં બુર્સની કોર કમિટીના સભ્યો, હોદ્દેદારો, ચેમ્બર ઑફ કોમર્સના પ્રતિનિધિઓ અને હીરા વ્યવસાયીઓ સાથે બેઠક યોજીને આ પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી. તેમણે પૂર્ણતાના આરે પહોંચેલા પ્રોજેક્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રકશનની કામગીરી નિહાળી હતી.

બેઠક દરમિયાન મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૌથી મોટો સોલાર રિન્યુએબલ એનર્જી પાર્ક, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે, એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહિયાં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના વિકાસમાં કોઈ અડચણ ન આવે તે માટે રાજય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન થકી ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમ થી હંમેશા હકારાત્મક વલણ ધરાવે છે. ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદવેચાણ થશે. અને દેશવિદેશમાં સુરતનું નામ ડાયમંડ ટ્રેડિંગમાં ઉચ્ચ શિખરે પહોંચશે.