રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહનોની ગતિ મર્યાદા કરી નક્કી, હવે આટલી સ્પીડ લિમિટમાં જ ચલાવવું પડશે તમારું વાહન
- રાજ્યના અનેક શહેરોમાં ઝડપી ગતિએ વાહન ચલાવતા વાહનચાલકો ચેતી જજો
- રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા નક્કી કરી
- હવે કોઇપણ વાહન રાજ્યમાં 120ની સ્પીડ કરતાં વધુ સ્પીડે નહીં ચલાવી શકાય
ગાંધીનગર: રાજ્યના અનેક શહેરોમાં જે લોકો માર્ગો પર ઝડપી ગતિએ વાહન હંકારે છે તેને હવે ચેતવાની જરૂર છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે હવે વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા નક્કી કરી છે. વાહન વ્યવહાર વિભાગના આદેશ અનુસાર રાજ્યમાં 120ની સ્પીડ કરતાં વધુ સ્પીડે વાહન ચલાવી શકાશે નહીં. તો ટુ વ્હીલર માટે પણ ગતિ મર્યાદા નિર્ધારિત કરાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આજે એક આદેશ બહાર પાડીને શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર તેમજ જાહેર માર્ગો પર વાહન ચલાવવાની ગતિ મર્યાદા નક્કી કરી છે. દરેક વાહનો માટે અલગ અલગ સ્પીડ મર્યાદા નક્કી કરવામાં આવી છે. કોઇપણ વાહન મહત્તમ 120ની સ્પીડથી વધારે ગતિએ ચલાવી શકાશે નહીં.
રાજ્યમાં એક્સપ્રેસ હાઇવે પર ગાડીની સ્પીડ લિમિટ 120 કિમી નક્કી કરવામાં આવી છે. તો નેશનલ હાઇવે પર 100 અને સ્ટેટ હાઇવે પર 80 કિમી પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરાઇ છે. કોર્પોરેશનના શહેરી વિસ્તારમાં 65 તેમજ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર 50 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદા નક્કી કરાઇ છે.
જાણો વિવિધ વાહનો માટે કેટલી ગતિ મર્યાદા નક્કી કરાઇ
ગાડી માટે સ્પીડ લિમિટ
એક્સપ્રેસ હાઇવે 120
નેશનલ હાઇવે 100
સ્ટેટ હાઇવે 80
મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 65
ગ્રામ્ય વિસ્તાર રોડ 50
માલસામાનની હેરફેર કરતા વાહનોની ગતિ મર્યાદા
એક્સપ્રેસ હાઇવે 80
નેશનલ હાઇવે 80
સ્ટેટ હાઇવે 70
મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 60
ગ્રામ્ય વિસ્તાર રોડ 40
દ્વિચક્રી વાહનોની ગતિ મર્યાદા
નેશનલ હાઇવે 80
સ્ટેટ હાઇવે 70
મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 60
ગ્રામ્ય વિસ્તાર રોડ 50
(સંકેત)