Site icon Revoi.in

કોરોનાના ભયને કારણે આ વર્ષે પણ પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં ગરબા નહીં યોજાય

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો વીજો વેવ લગભગ સમાપ્ત થઈ ગયો છે. સરકારે પણ નિયંત્રણો લગભગ ઉઠાવી લઈને છૂટછાટો આપતા જનજીવન પણ પુનઃ ઘબક્તું થઈ ગયું છે. કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકાર એલર્ટ છે. આ વર્ષે રથયાત્રામાં પણ લોકોની ભીડ એકઠી ન થાય તે માટે નિયંત્રણો લાદવામાં આવ્યા હતા તેમજ લોકમેળાઓને પણ મંજુરી આપવામાં આવી નથી.

હવે નવરાત્રીમાં માત્ર શેરી ગરબાને જ છૂટ અપાશે પણ કલબો અને પાર્ટી પ્લોટ્સમાં યોજાતા ગરબાના કાર્યક્રમોને મંજુરી આપવામાં નહીં આવે એવું કહેવાય છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા ગરબા આયોજકોએ ગરબા યોજના અંગે નનૈયો ભણ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાના મોટા ગરબાના આયોજકોએ કોરોનાના સંક્રમણના ડરને લીધે ગરબા નહીં યોજવાનો નિર્ણય લીધો છે

અમદાવાદ શહેરમાં સીમાડે આવેલા પાર્ટી પ્લોટ્સમાં આ વર્ષે ગરબા માટેનું બુકિંગ થયુ નથી. જ્યારે કલબોમાં પણ આયોજકોએ ગરબા યોજવાનો નિર્ણય કર્યો નથી. તેમજ વડોદરાના મોટા ગરબા આયોજકો ચાલુ વર્ષે ગરબાનું આયોજન નહિ કરે તેવી જાહેરાત કરી છે. ત્રીજી લહેરની આશંકાને પગલે વડોદરાના મોટા ગરબા આયોજકોએ ગરબા નહિ યોજવાનું નક્કી કર્યું છે. યુનાઇટેડ વે અને માં શક્તિના આયોજકો આ વર્ષે પણ ગરબા નહિ યોજે. યુનાઈટેડ વે ગરબાના આયોજકે જણાવ્યું હતુ કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે યુનાઇટેડ વે કોઈ પ્રકારનું રિસ્ક નહિ લે. તેથી અમે ચાલુ વર્ષે ગરબાનું આયોજન નહિ કરીએ.

ગરબામાં કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ રાખવું અશક્ય છે. તો બીજી તરફ, ઓછા ખેલૈયાઓ સાથેનું આયોજન પોસાય તેમ નથી. તેમજ ટૂંક સમયમાં મોટા આયોજનનો સમય પણ હવે રહ્યો નથી. તેથી અમે આ વર્ષે ગરબા નહિ યોજીએ. તો બીજી તરફ, અન્ય મોટા ગરબા આયોજક મા શક્તિ ગરબા પણ નહિ યોજાય. મા શક્તિ ગરબાના આયોજકે કહ્યું હતું કે, ગરબાના આયોજક તરીકે આયોજનની વાત તો વિચારવાની પછી આવે છે. એક નાગરિક તરીકે હું માનું છું કે આ વર્ષે પણ ગરબાનું આયોજન ન કરવું જોઇએ. સરકાર પરવાનગી આપે તો આયોજન કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ તે પણ હિતાવહ તો નથી જ.

આ ઉપરાંત રાજકોટમાં પણ આ વર્ષે નવરાત્રિમાં ગરબા નહિ યોજાય. રાજકોટનાં સૌથી મોટા ગરબા આયોજકોએ ગરબા ન યોજવાનો નિર્ણય લીધો છે. કોરોનાના લીધે ગરબા ના યોજવા સહિયર ગ્રુપે નિર્ણય કર્યો છે. ત્યારે રાજકોટના આ ફેમસ ગરબાનું આયોજન ના કરવાના નિર્ણયથી ખૈલયા નાખુશ છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટના ગરબા આયોજકોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

(PHOTO-FILE)