Site icon Revoi.in

ગુજરાતમાં અત્યારે કોરોના વાયરસના ત્રણ વેરિયંટ સક્રિય, સુરક્ષિત રહેવા ડબલ માસ્ક પહેરવું અનિવાર્ય

Social Share

અમદાવાદ: ગુજરાતમાં જે રીતે કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે તેની પાછળ મુખ્યત્વે કોરોના વાયરસના ત્રણ વેરિયંટ જવાબદાર છે. GISAIDની વેબસાઇટ પર આ માહિતી આપવામાં આવી છે. GISAIDએ વિશ્વભરની કોરોનાની માહિતી રાખતું મંચ છે. નિષ્ણાતોના મતે ડબલ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, યોગ્ય તકેદારી રાખવી અને ભીડભાડવાળી જગ્યાની મુલાકાત લેવાનું ટાળવું આ બધા ઉપાયો કોરોના મહામારીથી બચવા અસરકારક છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઇન્ડિયન સાર્સ કોવ 2 કન્સોર્ટિઅમ ઓન જિનોમિક્સના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા ગુજરાતમાં મળી આવેલા કોવિડ વેરિયન્ટ્સની માહિતી GISAIDને સોંપવામાં આવી હતી. મહત્વનું છે કે, INSACOG 10 રાષ્ટ્રીય લેબોરેટરીનું ગ્રૂપ છે, જેની સ્થાપના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.

આ જાહેર મંચ પર મૂકવામાં આવેલી માહિતી પર ઉપર છલ્લી નજર નાખતાં જાણવા મળ્યું કે, ભારતીય SARS-CoV-2 B.1.617 ડબલ મ્યૂટન્ટના 34 વેરિયંટ છે. B.1.525 SARS-CoV-2નો એક વેરિયંટ છે, જે સૌથી પહેલા ડિસેમ્બર 2020માં નાઈજિરિયા અને યુકેમાં જોવા મળ્યો હતો. આ સિવાય B.1.351ના ચાર અન્ય વેરિયંટ છે જે મુખ્યત્વે સાઉથ આફ્રિકામાં જોવા મળ્યા છે.

એક પબ્લિક હેલ્થ એક્સપર્ટે કહ્યું, “જો આ મ્યૂટેશનો એક જ રાજ્યમાં સાથે હોય તો શું તે અગાઉ થયેલા સંક્રમણથી બનેલી નેચરલ ઈમ્યૂનિટીનો નાશ કરે છે? તે સવાલ અમને સતાવી રહ્યો છે. આ અભ્યાસનો અતિ ગંભીર મુદ્દો છે. આ મ્યૂટેશનોનો ઈન્ફેક્શન રેટ અને એપિડેમિયોલોજી (રોગના ફેલાવા અને તેના નિયંત્રણ માટે થતો વૈજ્ઞાનિક અભ્યાસ) જાણવા માટે કોવિડ સેમ્પલોનું જેનેટિક સિક્વન્સિંગ કરવું જરૂરી છે. જેથી આપણે આગળની યોજના બનાવી શકીએ.”

ગત અઠવાડિયે INSACOGએ GISAIDને જાણકારી આપી હતી કે, ડબલ મ્યૂટન્ટ B.1617+ કોરોના વાયરસના 529 વેરિયંટ મહારાષ્ટ્રમાં, 62 વેરિયંટ કર્ણાટકમાં અને 133 વેરિયંટ પશ્ચિમ બંગાળમાં છે. ગુજરાતનો વાયરોલોજીકલ ડેટા GISAIDને ફેબ્રુઆરીમાં સોંપવામાં આવ્યો હતો. GISAIDના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં B.1617ની સૌપ્રથમ હાજરી આ વર્ષે 2 ફેબ્રુઆરીએ નોંધાઈ હતી. પોઝિટિવ આવેલા ત્રણ સેમ્પલમાં ડબલ મ્યૂટન્ટ વાયરસ હતો.

જણાવી દઈએ કે, GISAID પ્લેટફોર્મને જર્મનીની સરકાર સંભાળે છે જ્યારે સિંગાપોર અને યુએસ તેના ઓફિશિયલ હોસ્ટ છે. જે ઈન્ફ્લુએન્ઝા વાયરસ અને કોવિડ-19 મહામારી માટે જવાબદાર કોરોના વાયરસના જેનોમિક ડેટા પૂરા પાડે છે.

મ્યૂટન્ટ વાયરસથી બચવા માટે નીચે આપેલી તકેદારી રાખી શકાય

– ડબલ માસ્ક પહેરવાથી કોવિડ સંક્રમણનું જોખમ 95 ટકા સુધી ઘટાડી શકાય છે. ડબલ માસ્ક વચ્ચેની જગ્યામાંથી હવાની અવરજવર રોકે છે અને ચહેરા પર બરાબર ફિટ થાય છે.
– થ્રી-લેયર માસ્કની ઉપર કપડાનું માસ્ક પહેરવું અથવા N95 અને સર્જિકલ માસ્ક સાથે પહેરવું યોગ્ય છે.
– જો પરિવારમાં કોઈ વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોય તો તે વ્યક્તિ ઘરની અંદર પણ માસ્ક પહેરી રાખે તે જરૂરી છે, જેથી અન્ય સભ્યો સંક્રમિત ના થાય.
– જો તમારા ઘરે કોઈ મહેમાન કે કામ માટે બહારથી કોઈ વ્યક્તિ આવતી હોય તો 30 મિનિટ સુધી માસ્ક પહેરી રાખવું કારણકે એરોસોલ હોવાની સંભાવના છે.

(સંકેત)