Site icon Revoi.in

સશસ્ત્ર સેના ધ્વજ દિવસ: CM રૂપાણીએ વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા કરી વ્યક્ત

Social Share

ગાંધીનગર: આજે 7 ડિસેમ્બર એટલે કે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ. આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફાળો અર્પણ કરી દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની સતત રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

આપણાં દેશના સીમાડે સતત ખડેપગે રહીને સરહદ પારની ઘૂષણખોરી અને નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી માભોમની રક્ષા કરવા ઉપરાંત આંતરિક સલામતી તેમજ સુરક્ષા આપણાં સશસ્ત્ર દળોના જવાનો નિભાવે છે.

દેશમાં કુદરતી કે માનવસર્જિત આપત્તિ જેમ કે પૂર, વાવાઝોડું, ભૂકંપ કે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં પણ સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થતા આ સેનાનીઓ અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ ફરજ પરસ્ત જવાનોના અને દેશ માટે સમર્પિત થઇ પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ હેતુથી આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ સૌ કોઇ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરીને તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે.

આ અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપણાં અડીખમ યોદ્વાઓ અને વીર સેનાનીઓ પ્રત્યે આદર ભાવ પ્રગટ કરવા અને તેમના કલ્યાણ માટે ઉદાર હાથે સૌ નાગરિકો સશસ્ત્ર સેના ધ્વજ દિવસે ફાળો આપે તેવી અપીલ પણ કરી હતી.

નોંધનીય છે કે સશસ્ત્ર સેના ધ્વજ દિવસના ઉપલક્ષ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. આ વેળાએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, સૈનિક કલ્યાણ બોર્ડના નિયામક નિવૃત્ત કમાંડર શશિકુમાર ગુપ્તા, નાયબ નિયમાક પી એચ ચૌધરી તેમજ ગુજરાત પ્રદેશના ડિફેન્સ પી આર ઓ, એરફોર્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(સંકેત)