- ગુજરાતમાં બેરોજગારી વધી રહી છે
- વર્ષ 2018-19માં બેરોજગારી દર વધીને દર 1000 વ્યક્તિએ 33 થયો
- વર્ષ 2011-12માં પ્રતિ 1000 વ્યક્તિએ 8 લોકો બેરોજગાર હતા
અમદાવાદ: ગુજરાતમાં બેરોજગારી વધી રહી છે. વર્ષ 2011-12માં ગુજરાતમાં સૌથી ઓછો બેરોજગારી દર હતો, જેમાં ગ્રામીણ વિસ્તારમાં દર 1000 લોકોએ 3 લોકો બેરોજગાર હતા. હવે તે વર્ષ 2018-19માં વધીને દર 1000 વ્યક્તિએ 33 થઇ ગયો છે. શહેરી વિસ્તારની વાત કરીએ તો તેમાં પણ વર્ષ 2011-12માં પ્રતિ 1000 વ્યક્તિએ 8 લોકો બેરોજગાર હતા. જે હવે વર્ષ 2018-19માં વધીને 32 થઇ ગયા છે.
આરબીઆઇ દ્વારા સ્ટેટ વાઇઝ અનએમ્પ્લોયમેન્ટ રેટ ડેટા જાહેર કરવામાં આવ્યા છે, જે અનુસાર ગત 7 વર્ષોમાં ગુજરાતમાં બેરોજગારીનું પ્રમણ વધ્યું છે. જો કે વર્ષ 2017-18ની તુલનાએ આ બેરોજગારી દર થોડો નીચો આવ્યો છે. વર્ષ 2017-18 દરમિયાન રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં દર 1000માંથી 52 વ્યક્તિ જ્યારે શહેરી વિસ્તારમાં 43 વ્યક્તિ બેરોજગાર હતા.
આંકડા પર નજર કરીએ તો ગુજરાત 2011-12માં દર 1000 વ્યક્તિએ 8 બેરોજગારના આંકડા સાથે સૌથી છેલ્લા 3 રાજ્યોમાંથી એક હતું. જ્યારે વર્ષ 2018-19માં શહેરી બેરોજગારીમાં દર 1000એ 32 સાથે છેલ્લેથી બીજા ક્રમે છે. રાજ્ય સરકારના સીનિયર અધિકાર અનુસાર, આ સમય દરમિયાન દેશભરમાં બેરોજગારીનો દર વધ્યો છે. વર્ષ 2011-12માં બેરોજગારીનો દર 1000 વ્યક્તિએ 34 હતો, વર્ષ 2018-19માં વધીને 77 થઇ ગયો.
નોંધનીય છે કે, ગુજરાતના શહેરી વિસ્તારમાં પુરુષોમાં બેરોજગારીનો દર 1000 વ્યક્તિએ 34 છે, જ્યારે મહિલાઓમાં 25 છે. આવી જ રીતે ગ્રામીણ વિસ્તારમાં દર 1000 વ્યક્તિએ 18 મહિલાઓ અને 38 પુરુષો બેરોજગાર છે. ગુજરાતની સરખામણીએ કર્ણાટકમાં શહેરી બેરોજગારી દર 1000 વ્યક્તિએ 52, છે, મહારાષ્ટ્રમાં 64, તમિલનાડુમાં 67, આંધ્ર પ્રદેશમાં 73, હરિયાણામાં 87 અને કેરળમાં 97 છે.
(સંકેત)